દિનેશ જોષી રાજય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં એમ.ડી., એમ.એસ.ડૉક્ટર આરોગ્ય સેવા આપવા માટે જતા ન હોવાથી રાજય સરકાર ખાસ આદિવાસી વિસ્તારમાં ખાનગી હોસ્પિટલ ઉભી કરવા માટે આદિવાસી સમાજના ડૉક્ટરને વિશેષ નાણાંકીય સહાય પેકેજ આપવાની યોજના તૈયાર કરી રહીં છે.
આ મુદ્દે સૈદ્ધાંતિક નિર્ણય લઇ લેવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના પ્રમાણે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને નાણામંત્રી કનુ દેસાઇ તેમજ રાજય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના માર્ગદર્શન હેઠળ યોજના નાણાં વિભાગની મંજૂરીની રાહ જોઇ રહીં છે.
આ યોજનામાં જમીનની માલિકી ધરાવતા કે પછી ભાડા પટ્ટે જમીન ધરાવતા એમ.એસ., એમ.ડી. ડૉક્ટરને ખાનગી હોસ્પિટલ બાંધવા માટે રાજય સરકાર રૂ. 25થી50 લાખની નાણાંકીય સહાય આપશે.
જો કે, યોજનાના નિયમો મંજૂર થવાના બાકી છે, પણ આ તમામ બાબતો આગામી એકાદ મહિનામાં તૈયાર થઇ જશે અને સરકાર તેની વિધિવત્ત જાહેરાત કરશે. આ યોજના પાછળ બીજો ઉદેશ એક હોસ્પિટલને કારણે સ્થાનિક ક્ષેત્રે રોજગારી પણ ઊભી કરવાનો છે.
રાજયમાં એમ.ડી.,એમ.એસ. ડૉક્ટરની ઘટ છે. જે નિષ્ણાત ડૉક્ટર તૈયાર થાય છે,તે મોટાભાગે મોટાં શહેરોમાં સ્થાયી થાય છે. જેના પરિણામે ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાં નિષ્ણાંત ડૉક્ટરની આરોગ્ય સેવા મળતી નથી અને દર્દીઓને મોટા શહેરો સુધી આવવું પડે છે.
આ સ્થિતિનું નિરાકરણ કરવા અને ખાસ કરીને રાજયના 14 આદિજાતિ વિસ્તારના નિષ્ણાત ડૉક્ટરની સુવિધા ઊભી કરવા માટે રાજય સરકાર વિશેષ નાણાકીય સહાયની યોજના લાવી રહીં છે.
આ માટે આદિવાસી વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં રૂ. 50 લાખ સુધીની સહાય આપવાની સરકારની તૈયારી છે.જો કે,હજુસુધી કેટલી નાણાંકીય સહાય આપવી તે નક્કી નથી, પણ નાણાંકીય સહાય અપાશે તે નક્કી છે,આ બાબતે રાજયના નાણાં વિભાગ સાથે પરામર્શ ચાલી રહ્યો છે.
આ પછી રાજય સરકાર વિધિવત્ત રીતે આ યોજનાનો અમલ કરશે. એક હોસ્પિટલ બાંધવા માટે ઓછામાં ઓછો રૂ. 2 કરોડનો ખર્ચ થાય છે તેવો આંકડો આદિજાતિ વિકાસ વિભાગે આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કરીને નક્કી કર્યો છે.
સરકારની સહાય છતાં હોસ્પિટલ તો ખાનગી જ રહેશે રાજય સરકાર માત્ર નાણાંકીય સહાય કરશે,પણ માલિકી કે હોસ્પિટલ તો ખાનગી જ રહેશે.
આ હોસ્પિટલમાં આરોગ્ય સારવાર મેળવવા માટે દર્દીઓએ રકમ ચૂકવવી પડશે,પણ આ અંતરિયાળ વિસ્તારમાં એક સુવિધઆ ઊભી થાય તેટલા માટે સરકાર આ યોજના લાવી રહીં છે.
જો કે,આ હોસ્પિટલને પ્રધાન મંત્રી જન આરોગ્ય સેવા સાથે પણ જોડવાનું આયોજન છે,જેથી કરીને ગરીબ દર્દીઓને રૂ. 10 લાખ સુધીની આરોગ્ય સેવા વિનામૂલ્યે મળી શકે.
કયા વિસ્તારમાં મંજૂરી અપાશે આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓમાં મંજૂરી અપાશે, પણ એવા વિસ્તારમાં મંજૂરી અપાશે કે જે વિસ્તારમાં 5થી10 કિ.મી. સુધી કોઇ આરોગ્ય સુવિધા હોય નહીં. જેમ કે, જિલ્લા આરોગ્ય કેન્દ્ર હોય કે પ્રાથમકિ આરોગ્ય કેન્દ્ર હોય તેવા વિસ્તાર કે તાલુકામાં મંજૂરી અપાશે નહીં.
ટૂંકમાં જિલ્લા સ્તરે આવી હોસ્પિટલને મજૂરી મળવાની શકયતા ઓછી છે, કારણ કે,જિલ્લા સ્તરે આવા ડોકટરોની સુવિધા હોય છે. આથી દરેક વિસ્તારના આદિજાતિ વિકાસ વિભાગ આઇડેન્ટીફાય કરશે અને પછી તે વિસ્તારમાં મંજૂરી અપાશે.