Gujarat

મહિલા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત કવાંટ ખાતે જિલ્લા કક્ષાની માસ મહેંદી ઈવેન્ટ યોજાઈ

મહિલાઓએ સામુહિક મહેંદી મૂકીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા જિલ્લાવાસીઓને અપીલ કરી
મતદાન જાગૃતિના સૂત્રોચ્ચાર સાથે મતદાન જાગૃતિ રેલીમાં મોટી સંખ્યામાં મહિલા મતદારો જોડાયા
 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તથા મહિલા મતદારોની ભાગીદારી વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ સ્વીપ અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન અંતર્ગત જિલ્લામાં વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જિલ્લામાં મહિલા મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે જિલ્લાભરમાં સામુહિક મહેંદી કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે અન્વયે એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલ, કવાંટ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા મતદારોએ સહભાગી બનીને હાથોમાં મતદાન કરવા માટે અનુરોધ કરતી મહેંદી મૂકીને અચુક મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો હતો. મહિલાઓએ *’અચૂક મતદાન કરીએ’, ‘મારો મત મારો અધિકાર’, ‘વોટ કરો શાનથી’, ‘આવી ગયો અવસર લોકશાહીનો’, ‘વોટ ફોર બેટર ઇન્ડિયા’, ‘વટથી મતદાન કરો’* જેવા વિવિધ સૂત્રોની અવનવી મહેંદી મૂકીને અનોખી રીતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમમાં પોતાનો સહયોગ આપ્યો હતો.
આ તકે મતદાન જાગૃતિ રેલી પણ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલા મતદારોએ જોડાઈને મતદાન જાગૃતિના સૂત્રોચ્ચાર સાથે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આઈ.સી.ડી.એસ., આંગણવાડી બહેનો તથા મોટી સંખ્યામાં મહિલા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.