ગાંધીધામ- ભચાઉ નેશનલ હાઈવે પર અંજારના મોડવદર પુલ પાસે ડમ્પર ખરાબ થતાં બ્રેકડાઉન કરીને રિપેરીંગ કામ કરવામાં આવી રહ્યું એ દરમિયાન પાછળથી ડમ્પર આવીને ઘૂસી જતા તેના ચાલકનું ગંભીર ઈજાઓના કારણે મોત થયું હતું.
આ બનાવમાં બ્રેકડાઉન કરાયેલી ડમ્પરના ડ્રાઈવર અને મિકેનીકને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અંજારના તુણામાં રહેતા રાધેશ્યામ હેન્ડલિંગના સુપરવાઈઝર નવીન પંચાણભાઈ હુંબલે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે, ગત તારીખ 18/5 ના રોજ તેમની ટ્રાન્સપોર્ટના ડમ્પર નં. GJ05-BV-2355 ના ચાલક સામજીભાઈ દાફડાનો ફોન આવ્યો અને કહ્યું કે, ઓવરહીટના કારણે ડમ્પર અંજારના મોડવદર પુલિયા પાસે બંધ પડી ગયું છે.
જેથી ફરિયાદી મિકેનીક નરેશભાઈ ભટ્ટીને લઈને સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર બ્રેકડાઉન કરીને ડમ્પર રાખેલું હતું. જેથી પાછળ રોડ પર 15, 20 મીટર દૂર લાલ કલરના રિફલેક્ટર રાખવામાં આવ્યા હતા. ડમ્પરનો ડ્રાઈવર અને મિકેનીક ઊભા હતા. મિકેનીકે જણાવ્યું કે, ડમ્પર ગરમ થઈ જતા બંધ પડી ગયું છે.
રિપેરીંગ ચાલુ હતું એ દરમિયાન પાછળથી ડમ્પર નં. GJ12- BZ-8827 ના ચાલકે પૂરઝડપે આવી ડમ્પરમાં ભટકાવતા ગંભીર ઈજાઓના કારણે તેના ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું. પાછળથી ડમ્પર ભટકાવતા આગળ ઊભેલા ડમ્પરમાં રિપેરીંગ કરતા મિકેનીક નરેશભાઈ ભટ્ટી અને ચાલક સામજીભાઈ દાફડાને માથાના ભાગે ઈજાઓ થવાના કારણે સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
ફરિયાદી ઇજાગ્રસ્તની હોસ્પિટલમાં સારવાર અર્થે રોકાયેલા હોવાથી આજરોજ ફરિયાદ નોંધાવી છે. બી- ડિવિઝન પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.

