દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે અને આ ફ્લાવર શો દેશ- વિદેશના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે આ વખતે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર ગાંધીનગરમાં ફ્લાવર શો યોજવાનું આયોજન વિચારવામાં આવી રહ્યું છે.
હરીયાળા શહેરમાં રંગબેરંગી ફુલોના નિદર્શન દ્વારા નવી ઓળખ આપવાનો પ્રયાસ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. હાલ તેના આયોજન માટેની કવાયત ચાલી રહી છે.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 10 વર્ષ કરતા પણ વધુ સમયથી રીવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે અને તેમાં લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લે છે. બહારના લોકો પણ ખાસ ફ્લાવર શો જોવા માટે આવે છે.
પરંતુ ગાંધીનગરમાં એકપણ વાર આ પ્રકારે ફ્લાવર શો યોજાયો નથી. આથી હવે અમદાવાદની પેટર્ન પર ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ ડિસેમ્બર- જાન્યુઆરીમાં ફ્લાવર શો યોજવા માટેનું આયોજન વિચારવામાં આવ્યું છે. હાલ તેના માટેની કવાયત ચાલી રહી છે.

