Gujarat

પેસેન્જર નહીં મળતા તેજસ ખાલીખમ વંદે ભારતમાં પૈસા-સમય બન્ને બચે છે

લવકુશ મિશ્રા મુંબઈ-અમદાવાદ રૂટ પર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 13 માર્ચથી શરૂ થઈ છે અને 5 દિવસમાં જ આ ટ્રેન લોકપ્રિય થઈ ગઈ છે. દરેક ટ્રિપમાં ટ્રાફિક મળી રહ્યો છે. બીજી તરફ આ રૂટ પર દોડનારી પહેલી વંદે ભારતને પણ યાત્રીઓ ઘણી પસંદ કરી રહ્યા છે.

હવે બે-બે વંદે ભારત આવતાં આઇઆરસીટીસીની દેખરેખમાં દોડતી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસને નુકસાન વેઠવું પડે છે. વાસ્તવમાં નવી વંદે ભારત પછી તેજસમાં ટ્રાફિક ઘટી રહ્યો છે.

આથી આઇઆરસીટીસીની ચિંતા વધી ગઈ છે. બંને ટ્રેનો વચ્ચે રનિંગ ટાઇમનું અંતર માત્ર 30 મિનિટનું છે. આ કારણે યાત્રિકો વંદે ભારતને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. બીજી તરફ ઝડપી મુસાફરીની સાથે ભાડામાં પણ ઘણું અંતર છે.

આથી વંદે ભારત યાત્રીઓમાં વધુ લોકપ્રિય થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે નવી વંદે ભારતને હજી અઠવાડિયું પણ થયું નથી ત્યાં આઇઆરસીટીસીની મુશ્કેલી વધારી દીધી છે.

પહેલું કારણ : સમયની બચત થાય છે

નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી સવારે 6.10 વાગ્યે ઉપડે છે અને 5 કલાક ને 25 મિનિટનું અંતર કાપીને સવારે 11.35 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ પહોંચે છે. જ્યારે તેજસ એક્સપ્રેસ ટ્રેન અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડે છે અને 6 કલાક 25 મિનિટનું અંતર કાપીને બપોરે 01.05 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચે છે. એટલે કે તેજસ કરતાં વંદે ભારત 1 કલાક વહેલી મુંબઈ પહોંચે છે.

બીજું કારણ : તેજસ કરતાં ભાડું સસ્તું

વંદે ભારતને કારણે યાત્રિકોને માત્ર સમયની જ નહીં, પૈસાની પણ બચત થઈ રહી છે. વાસ્તવમાં તેજસ અને વંદે ભારતનાં ભાડાંમાં ઘણું અંતર છે. તેજસમાં ચેરકારનું ભાડું 1,680 અને એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું 2,370 રૂપિયા છે જ્યારે નવી વંદે ભારતમાં ચેરકારનું ભાડું 1,200 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું 2,295 રૂપિયા છે. એટલે કે ચેરકારના ભાડામાં જ 400 રૂપિયાનો તફાવત છે.

19 માર્ચના બુકિંગની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારતમાં 3 વેઇટિંગ જ્યારે ચેરકારની 93 સીટ ખાલી હતી. જ્યારે તેજસમાં ચેરકારમાં કુલ 425 બેઠક ખાલી હતી અને એક્ઝિક્યુટિવમાં 64 બેઠક ખાલી હતી. આગામી એક સપ્તાહ સુધી તેજસ ટ્રેનમાં આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે.

આઇઆરસીટીસીના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે વંદે ભારતના અત્યારના ભાડા પ્રમાણે જોવા જઈએ તો તેજસ ટ્રેનને નુકસાન વેઠવું પડી શકે છે. બીજી તરફ બંને શરૂ થવાના સમયમાં માત્ર 30 મિનિટનું જ અંતર છે. આ સૌથી મોટી ચિંતાનું કારણ છે.