ગાંધીનગરના ખોરજ સુરમ્ય – 1 બંગ્લોઝનાં ખુલ્લા પ્લોટમાં લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે ત્રાટકીને સ્વીફ્ટ અને આઈ-20 કારમાંથી 79 હજારનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડી અમદાવાદના બુટલેગરો સુધી પહોંચાડવાના નેટવર્કનો પર્દાફાશ કરી કુલ રૂ. 11.30 લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન દારૂની રેલમછેલ અટકાવવા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ તાબાના અધિકારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે.
જે અન્વયે એલસીબી પીઆઈ એચ પી પરમારની ટીમ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખોરજ ગામના સુરમ્ય -1 બંગ્લોઝમાં ખુલ્લા પ્લોટમાં વિદેશીદારૂ ભરેલ ગાડીઓ પડેલી છે અને કાર ચાલકો દારૂની હેરાફેરી કરવાની ફીરાક કરી રહ્યા છે.
જે હકીકત આધારે એલસીબીની ટીમ બાતમી વાળી જગ્યાએ ત્રાટકી હતી. જ્યાં વિદેશી દારૂનો જથ્થો સ્વીફ્ટ અને આઈ-20 કાર મળી આવી હતી.
બાદમાં સ્વીફ્ટ કારના ચાલકની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ કુલદીપસિંહ રણજીતસિંહ દેવડા (રહે. એ-102, શુકન ઓર્નેટ ફ્લેટ, હાંસોલ-એરપોર્ટ રોડ, તાજ હોટલની પાછળ, સરદારનગર, મુળ રહે, લાડોલ, દેવડાવાસ, તા. વિજાપુર) હોવાનું જણાવ્યું હતું.