Gujarat

ઉના નગરપાલિકામાં ભાજપનો વિજય, તમામ 36 બેઠકો કબ્જે – લોકગાયિકા રાજલ બારોટ પણ જીત્યાં,

ઉના નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ 36 બેઠકો પર વિજય મેળવી ભગવો લહેરાવ્યો છે. વોર્ડ નંબર 7 માંથી સુપ્રસિદ્ધ લોકગાયિકા રાજલ બારોટનો પણ વિજય થયો છે, જ્યારે આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલ્યું નથી.

મતગણતરીનો પ્રારંભ આજે સવારે 9 વાગ્યે ઉનાના યોગા કેન્દ્ર ખાતે ચૂંટણી અધિકારી કે.આર. પરમારના અધ્યક્ષ સ્થાને થયો હતો વોર્ડ નંબર 7 માંથી ઉમેદવારી નોંધાવનાર ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા રાજલ બારોટને 2313 મત મળ્યા હતા, જેના પગલે તેમનો વિજય થયો હતો.

વિજય બાદ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી અને તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, લોકોની જરૂરિયાત જેવી કે રોડ, પાણી અને વીજળી જેવી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે અને વિકાસના કામોને પ્રાધાન્ય અપાશે.