સુરત જિલ્લા પંચાયત દ્વારા આયોજીત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ બારડોલીનાં સાંકરી મંદિર ખાતે યોજાયો હતો. જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ સત્રાંત કસોટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ઓલપાડ તાલુકાની મીરજાપોર પ્રાથમિક શાળાની ધોરણ 3 માં અભ્યાસ કરતી વિધાર્થીની આરોહી હસમુખભાઈ પટેલે તાલુકા કક્ષાએ દ્વિતીય ક્રમ, ધોરણ 4 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી વેદ કેયુરભાઈ પટેલ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ જ્યારે ધોરણ 4 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હેતવી મનિષભાઈ પટેલે તાલુકા કક્ષાએ દ્વિતીય ક્રમ મેળવી શાળા પરિવાર અને ગામનું નામ રોશન કરેલ છે. શાળાનાં આચાર્યા અંજનાબેન પટેલ, ઉપશિક્ષિકા સોનલબેન બ્રહ્મભટ્ટ, એસ.એમ.સી. અધ્યક્ષ જિગીષાબેન પટેલ તથા કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજયભાઈ પટેલે આ ત્રણેય વિદ્યાર્થીઓની નોંધપાત્ર સિદ્ધિને બિરદાવી તેમને અભિનંદન પાઠવ્યા હતાં.
આ તેજસ્વી વિધાર્થીઓને ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે પ્રોત્સાહક ઈનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ભવિષ્યમાં તેઓ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહી અપેક્ષિત સફળતા હાંસલ કરી શાળા, ગામ તથા તાલુકા સહિત સમગ્ર જિલ્લાને ગૌરવ બક્ષે એવાં આશીર્વચન પાઠવવામાં આવ્યા હતાં. આ પ્રસંગે શિક્ષણ વિભાગનાં અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયત સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.