ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉચકાતો જાય છે. શિયાળાની અસર પૂર્ણ થતા જ રાજ્યભરમાં કમોસમી વરસાદે દસ્તક દીધા બાદ ગરમીની શરૂઆત થતાં રોગચાળામાં પણ વધારો થયો છે. છેલ્લા 15 દિવસથી વાઇરલ ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લુના કેસ વધતા ઘરે-ઘરે બીમારી પહોચી છે.
ત્યારે માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં એટલે કે, ગત સપ્તાહ દરમિયાન પાણીજન્ય રોગમાં પણ વધારો નોંધાયો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઇન્ફેક્શન અને સ્વાઈન ફ્લૂના કેસ ઘટ્યા છે, પરંતુ તેની સામે ઝાડા-ઊલટી અને ટાઇફોડના કેસમાં વધારો થયો છે.
પ્રથમ સપ્તાહમાં વાઇરલ ઇન્ફેક્શનના કેસ 1600ને પાર
અમદાવાદ શહેરમાં ઉનાળાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સીયસની આસપાસ રહેતા ગરમીનું એહસાસ થઇ રહ્યો છે. તેવામાં ઝાડા-ઊલટીના કેસ પણ વધ્યા છે. માર્ચ મહિનાના પહેલા સપ્તાહની સરખામણીમાં બીજા સપ્તાહ દરમિયાન વાઇરલ ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લૂના કેસમાં ઘટાડો થયો છે.
જેમાં માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં વાઇરલ ઇન્ફેક્શનના કેસ 1600ને પાર પહોંચ્યા હતા. જ્યારે ગત એક સપ્તાહ દરમિયાન અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વાઇરલ ઇન્ફેક્શનના 1448 કેસ નોંધાયાં હતાં. જ્યારે સ્વાઇન ફ્લૂના 8 દર્દીઓની તપાસમાંથી 2 દર્દીઓને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડેંગ્યુના ગત એક સપ્તાહ દરમિયાન 90 સેમ્પલમાંથી 1 દર્દીને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં મેલેરિયાના 266 અને ચિકનગુનિયાના 10 સેમ્પલમાંથી એકપણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. જ્યારે વાઇરલ હિપેટાઇટિસના 4 કેસ નોંધાયા હતા.
એક સપ્તાહમાં ઝાડા-ઊલ્ટી-ટાઇફોઇડના 6-6 કેસ
સામાન્ય રીતે વાતાવરણમાં પરિવર્તન આવતા રોગચાળો વધતો હોય છે. તેવામાં ગરમીની શરૂઆત થતાં જ પાણીજન્ય રોગ અને ઝાડા-ઊલટીના કેસમાં વધારો થયો છે. અમદાવાદ ખાતે આવેલી સોલા સિવિલ હોસ્પિટલ માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસ એકાએક વધ્યા હતા અને કમોસમી વરસાદને કારણે મચ્છરજન્ય રોગમાં પણ થોડા અંશે વધારો થયો હતો.
તેવામાં પાણીજન્ય રોગ જેવા કે ઝાડા ઉલટી અને ટાઇફોડના અનુક્રમે 2-2 કેસ નોંધાયા હતા, પરંતુ ગરમીની વિધિવત રીતે શરૂઆત થતા બીજા સપ્તાહમાં એટલે કે, ગત એક સપ્તાહ દરમિયાન ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના કેસમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલના આંકડાઓ અનુસાર ગત એક સપ્તાહમાં ઝાડા-ઊલ્ટીના 6 અને ટાઇફોઇડના 6 કેસ નોંધાયા છે.