રાજકોટમાં ભાજપનુ સદસ્યતા અભિયાન ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે અગાઉ અહીંના લોકસભાના સાંસદ રૂપાલાએ જુના કાર્યકર્તાઓને ન ભૂલવા માટેની વાત કરી હતી ત્યારે હવે ભાજપ કાર્યકર્તા એવા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ લોકસભાના સાંસદ પરસોતમ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા સહિતના ની હાજરીમાં ભાજપના કાર્યકર્તાઓને રમુજી શૈલીમાં કહ્યું હતું કે રાજકોટમાં તો બાજુવાળા જ આપણી પતંગ કાપી જાય જેથી પડખેવાળાને માપે રાખવા અને એક થઈને નેક બનીને રહેવું. જિલ્લા ભાજપ પ્રમુખે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકેલી આ રિલે હાલ ચર્ચા જગાવી છે.
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક રિલ પોસ્ટ કરવામાં આવેલી છે. જેમાં ભાજપના સદસ્યતા અભિયાન દરમિયાન હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ કટાક્ષ કર્યો હતો. તેમણે પોતાની હળવી શૈલીમાં ભાજપના કાર્યકરો સમક્ષ જણાવ્યું હતું કે, તમે બધા એક બનો, નેક બનો. રાજકોટમાં તમે પતંગ ઉડાડો તો બાજુવાળો તમારી પતંગ કાપી જાય.
પડખેવાળાને માપે રાખવા તો વાંધો નહીં આવે. સૌનો સાથ, સૌનો વિકાસ. જય ગરવી ગુજરાત. હવે ધીરુભાઈએ પણ પોતાની રમૂજી શૈલીમાં કટાક્ષ કર્યો હતો અને તમામ ભાજપના કાર્યકર્તાઓને એકબીજાના પતંગ કાપવાને બદલે એક થવા માટેનો ગર્ભિત સંદેશો આપ્યો હતો.

