Gujarat

કઝાકિસ્તાનના અસ્તાનામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની ર્વાષિક સમિટમાં વિદેશ મંત્રી એસ જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે

આ વર્ષે ૩ અને ૪ જુલાઈના રોજ કઝાકિસ્તાનના અસ્તાનામાં યોજાનારી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) ની ર્વાષિક સમિટમાં વિદેશ મંત્રી એસ જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સમિટમાં પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ અને કનેક્ટિવિટી અને વેપારને પ્રોત્સાહન આપવાની રીતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા છે. આ દરમિયાન, અફઘાનિસ્તાનની સ્થિતિ, યુક્રેન સંઘર્ષ અને એસસીઓ સભ્ય દેશો વચ્ચે એકંદર સુરક્ષા સહયોગને પ્રોત્સાહન આપવા પર પણ ચર્ચા થવાની અપેક્ષા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી છે.

કઝાકિસ્તાન વર્તમાન અધ્યક્ષ તરીકે સમિટનું આયોજન કરી રહ્યું છે. ભારત ગયા વર્ષે એસસીઓનું અધ્યક્ષ હતું. તેણે ગયા વર્ષે જુલાઈમાં વચ્ર્યુઅલ ફોર્મેટમાં એસસીઓ સમિટનું આયોજન કર્યું હતું. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિગિર્સ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. તે એક પ્રભાવશાળી આર્થિક અને સુરક્ષા બ્લોક છે, જે સૌથી મોટા આંતર-પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંના એક તરીકે ઉભરી આવ્યું છે.