દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સોમવારે પણ અતિભારે વરસાદનું જોર યથાવત રહ્યું હતું. સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ ગામો પૂરના પાણીના કારણે કપાઈ ગયા છે. ભારે વરસાદ બાદ દેવભૂમિ દ્વારકામાં એનડીઆરઆફની ટીમ ફસાઈ હતી એ પછી બચાવ કામગીરી માટે એરફોર્સની મદદ લેવામાં આવી હતી.
સુરતમાં 8.74 ઇંચ વરસાદ બાદ શહેરભરમાં જળબંબાકાર સર્જાયો હતો. તો દ્વારકાના કલ્યાણપુરમાં 4 કલાકમાં 11 ઇંચ તો માણાવદરમાં 15 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. દ્વારકા જિલ્લાના 15માંથી 8 ડેમ છલકાઈ ગયા છે તથા અન્ય 70 ટકા ભરાઈ ગયા છે.
સુરત શહેરમાં 24 કલાકમાં 8.74 ઇંચ વરસાદ ખાબક્યો છે. રવિવારે મોડીસાંજથી શરૂ થયેલો વરસાદ સોમવારે દિવસભર યથાવત રહ્યો હતો. શહેરમાં ઠેરઠેર રસ્તા પર પાણી ભરાતા જનજીવનને અસર પહોંચી હતી.
40 કિ.મીની ઝડપે પવન સાથે વરસાદથી 80થી વધુ વૃક્ષો જમીનદોસ્ત થઇ ગયા હતા. અતિભારે વરસાદની આગાહીથી કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરાઇ હતી. જિલ્લામાં વિતેલા 24 કલાકમાં બારડોલી, પલસાણા, મહુવા, કામરેજ સહિતના તાલુકામાં 2 ઇંચથી લઇ 8 ઇંચ સુધીના ભારે વરસાદથી શહેરમાંથી પસાર થતી તમામ પાંચેય ખાડીના સ્તર વધતા પાલિકાનું તંત્ર એલર્ટ થઇ ગયું હતું.