રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ગમખ્વાર અકસ્માત થયો છે. ભાદર નદીના પુલ પાસે કારનું ટાયર ફાટતા કાર પુલની રેલિંગ તોડી 60 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલા સહિત ચાર વ્યક્તિઓનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ છે અને તરવૈયાઓની મદદ વડે તમામનાં મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નદીમાંથી તમામના મૃતદેહ જ બહાર આવ્યા
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે આવેલા ભાદર નદીના પુલ પરથી I-20 કાર પસાર થઈ રહી હતી. દરમિયાન અચાનક કારનું ટાયર ફાટતા આ કાર ભાદર નદીમાં ખાબકી હતી. ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં એકઠાં થઈ ગયાં હતાં. આ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગની મદદથી કાર અને તેમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, તમામના મૃતદેહ બહાર આવ્યા હતા. અકસ્માતમાં બે મહિલા, એક યુવતી અને એક પુરુષ સહિત ચાર વ્યક્તિનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે.

કાર માંડાસણથી ધોરાજી તરફ જઈ રહી હતી
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા અનુસાર મૃતકનાં નામ 55 વર્ષીય સંગીતાબેન કોયાણી, 52 વર્ષીય લીલાવંતીબેન ઠુમ્મર, 55 વર્ષીય દિનેશભાઈ ઠુમ્મર અને 22 વર્ષીય હાર્દિકાબેન ઠુમ્મર હોવાનું સામે આવ્યું છે. આ કાર માંડાસણથી ધોરાજી તરફ જઈ રહી હતી. ત્યારે જ કોઈ કારણોસર કાર ભાદર ડેમમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો. મૃતકો ધોરાજીના જેતપુર રોડ નજીકના રહેવાસી હોવાનું તેમજ પ્રાથમિક તબક્કે કારનું ટાયર ફાટ્યું હોવાને કારણે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે.

હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં
આ અકસ્માતને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકનાં પરિવારજનો તથા સ્થાનિક ભાજપના અગ્રણીઓ તથા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો હોસ્પિટલે દોડી ગયા હતા. તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. આ ગોઝારા અકસ્માતને લઈ મૃતકોના પરિવારની સાથે સાથે સમગ્ર ધોરાજી પંથક અને આસપાસનાં ગામોમાં પણ શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.






