Gujarat

ગુજરાતમાં 9 નેશનલ હાઇવેનો ખર્ચ 11 હજાર કરોડ, તેના પરથી 19 હજાર કરોડ ટોલ વસૂલાયો

ગુજરાતમાં 9 નેશનલ હાઇ-વે એવા છે જેના પર ટોલ ટેક્સની કમાણી હાઇ-વેના નિર્માણ ખર્ચ કરતાં વધુ થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબ મુજબ, રાજ્યના 53 ટોલ પ્લાઝા પરથી હાલ સુધી 24780 કરોડ ટોલ વસૂલાયો છે.

આ 9 નેશનલ હાઇ-વે બનાવવાનો ખર્ચ 11061 કરોડ થયો હતો, જેના પર અત્યાર સુધી 19483 કરોડ ટોલ લોકો પાસેથી વસૂલાયો છે. ભરૂચ-સુરત, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, વડોદરા-ભરૂચ અને ગારામોર-સામખિયાળી એવા નેશનલ હાઇ-વે છે જેના પર નિર્માણ ખર્ચ કરતાં બમણો ટોલ ટેક્સ વસૂલાયો છે.

અન્ય એક જવાબ કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતમાં 1464 કિલોમીટર રોડને નેશનલ હાઇ-વેનો દરજ્જો મળ્યો છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના તાજેતરના રિપોર્ટ મુજબ, રાજ્યમાં નેશનલ હાઇવે પર 3500થી વધુ અકસ્માતમાં 2100 લોકોના મોત અકસ્માતમાં નીપજ્યાં હતા.

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી મુજબ, 2019થી 2023 દરમિયાન રાજ્યમાં કુલ 9860 લોકોએ નેશનલ હાઇવે પર રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. 2023માં જ 3505 અકસ્માતમાં 2178 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

જ્યારે 1748 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને હોસ્પિટલ જવાની જરૂર પડી હતી. જ્યારે 1207 લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. વર્ષ દર વર્ષ નેશનલ હાઇ-વે પર થતાં અકસ્માતમાં વધારો થયો છે.