Gujarat

જામનગરમાં ઠેર-ઠેર વિનામૂલ્ય ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું, અનેક જગ્યાએ જાગૃતિ માટે કેમ્પ યોજાયા

જામનગરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી છે. શહેરના હવાઈ ચોક વિસ્તારમાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત સતત આઠ વર્ષથી વધુ સમયથી કોર્પોરેટર ડિમ્પલ રાવલે વિના મૂલ્ય ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ કર્યું હતું.

આ ઉપરાંત શહેરમાં અલગ અલગ સ્થળ પર ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

શહેરમાં ડીકેવી સર્કલ પાસે કુદરત ગ્રુપ દ્વારા માટીનો માળો બનાવી અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુદરત ગ્રુપના ફિરોજ ખાન પઠાણ દ્વારા છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે માટીનો માળો અને કુંડાનું વિતરણ કરવામાં આવે છે.

શહેર વિસ્તારમાંથી દિવસેને દિવસે ચકલી લુપ્ત થતી રહી છે તેના માટે ચકલીઓને બચાવવા માટે લોકોમાં જાગૃતિ આવે એ જરૂરી છે તે માટે દર વર્ષે વિશ્વ ચકલી દિવસની ઉજવણીમાં માટીનો માળો અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે છે.

20 માર્ચના વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શહેરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા લોકોને વિનામૂલ્ય ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ કરવામાં આવે છે જે આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું. લુપ્ત થતી ચકલીઓને બચાવી લેવા માટીના કુંડા, તેમજ પૂઠામાંથી બનાવેલા માળાનું વિતરણ કરવામાં આવ્યું છે.

અત્યારના સમયમાં જાગૃત બનેલા લોકો તથા પક્ષી પ્રેમીઓ અને સમાજસેવકો દ્વારા ચકલીની પ્રજાતિ લુપ્ત ન થઈ જાય અને ચકલીની વસ્તીમાં વધારો થાય તે માટે ઘેર ઘેર ચકલીના માળાઓનું વિતરણ તથા પક્ષીઓ માટે પાણીના કુંડા વિવિધ સંસ્થાઓ અને ગ્રુપ દ્વારા આપવામાં આવી રહ્યા છે અને શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર કેમ્પ લગાવવામાં આવ્યા છે.

શહેરમાં હવાઈ ચોક ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી, કોર્પોરેટર ડિમ્પલ રાવલ અને બીજી તરફ શહેરમાં ડીકેવી સર્કલ પાસે મનપાના સ્ટેનિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા કોર્પોરેટર કિશન માડમ, સહિત અલગ અલગ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરી હતી.