રાજય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા યુવા અને સાસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સ તા.૧૮-૧૧-૨૦૨૪ થી તા.૨૪-૧૧-૨૦૨૪ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો. જેમાં રાજ્યભરમાંથી વિવિધ જિલ્લાના અનુસૂચિત જનજાતિના બાળકો ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ મેળવી હતી.

સફળતાપૂર્વક તાલીમ મેળવનાર તમામ તાલીમાર્થીઓને પૂર્ણાહુતી કાર્યક્રમમાં વાલી એ સોરઠ હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી હારુનભાઈ વિહળ, ગીર સોમનાથ જિલ્લાના સામાજિક કાર્યકર હનીફાબેન, ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ એમ. રાઠોડ, માઉન્ટઆબુ ખાતેની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાના પૂર્વ પ્રિન્સીપાલ શ્રી કે.પી. રાજપૂત તથા માનદ ઇન્સ્ટ્રક્ટરોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ તાલીમમાં કોર્ષ ઇન્ચાર્જ તરીકે શ્રી કે.પી. રાજપૂતે સેવા આપી હતી. ઉપરાંત શ્રીબચુભાઈ મકવાણા, શ્રી રણજીતસિંહ ઝાલા, શ્રી હસમુખભાઈ વેગડ, શ્રી રામભાઈ ચન્દ્રવાડીયા, પાદરીયા, માર્ગી રાવલ અને જેસ્મિ રાઠોડે માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી.

આ કાર્યક્રમમાં શ્રી હારુનભાઈ વિહળે કેમ્પના બાળકોને પ્રોત્સાહન આપતા કહ્યું, પર્વતારોહણ જેવી પ્રવૃતિ કરવાથી સાહસિકતા તથા નેતૃત્વના ગુણો નો વિકાસ થાય છે તથા સાહસિક પ્રવૃતિ કરવાથી માનસિક મનોબળ મજબુત થાય છે. પ્રાસંગિક ઉદ્બોધનમાં હનીફાબેને શિબિરાર્થીઓને ખડક ચઢાણના આવા કોર્ષનું મહત્વ જણાવ્યું હતું.
શિબિરાર્થીઓએ કેમ્પના પર્વતારોહણ તાલીમમાં સહભાગી આનંદ વ્યક્ત કર્યો હતો. તથા કુદરતી વાતાવરણમાં રહેવાની તેમજ તેઓ તેમના મિત્રોને પણ આવા કોર્ષ કરવા માટે પ્રેરણા આપશે. તેમ જણાવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે શાબ્દિક સ્વાગત સાથે શિબિર અંગેની માહિતી માનદ ઇન્સ્ટ્રક્ટર શ્રી બચુભાઈ મકવાણાએ આપી હતી. આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર રણજીતસિંહ ઝાલા કરી હતી. કાર્યક્રમનું સંચાલન માનદ ઇન્સ્ટ્રક્ટર માર્ગી રાવલે કર્યું હતું.

