ભુજ તાલુકાની રણ કાંધીએ આવેલા યાત્રાધામ હાજીપીર માર્ગે ટ્રાફિકજામની સમસ્યા અહીંથી પસાર થતા વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બની રહી છે. ગઈકાલે સર્જાયેલા ટ્રાફિકજામ બાદ આજે ફરી એજ સમસ્યા ઉદ્દભવી છે. લુડબાય થી ઢોરો ગામ વચ્ચે પવનચક્કીના ભાગોનું પરિવહન કરતું મહાકાય ટ્રેલર રસ્તો ઉતરી જતા પલટી ગયું છે. જેને લઈ લુડબાયથી ઢોરો સુધી વાહનોની કતારો જમા થઈ જવા પામી છે.
બિસ્માર માર્ગે ટ્રાફિકજામ થતા દેશલપરથી બહાર વાળી લુડબાય જતી એમ્બ્યુલન્સને જામના કારણે દર્દીને લીધા વિના પરત ફરવું પડ્યું હતું તો હાજીપીર દરગાહે જતા યાત્રિકો પણ અટવાયા હતા. હાલ એક તરફી માર્ગ ખુલ્લો થતા આંશિક રાહત ફેલાઈ છે.
આ અંગે લુડબાય ગામના અત્તાઉલ્લા જતે જણાવ્યું હતું કે, આજ સવારે લુડબાય ઢોરો વચ્ચે ફરી પવન ચક્કીનું મહાકાય ટ્રેલર અકસ્માત ગ્રસ્ત થતા રસ્તા ઉપર અવરોધ સર્જાતા 3 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ થયો હતો. ટ્રાફીકમાં અન્ય વાહનો સાથે 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી અને દર્દીને લીધા વિના એમ્બ્યુલન્સ ને પરત ફરવાની ફરજ પડી હતી.
જર્જરિત માર્ગ અને તેમાં પવનચક્કીના વાહનો અવારનવાર અકસ્માતનો ભોગ બનતા ટ્રાફિકજામની સમસ્યા ઉદભવે છે. મહાકાય વાહનો ઉપર રોક લાગે અને માર્ગનું નવીનીકરણ વહેલાસર હાથ ધરાય તે જરૂરી બન્યું છે.