Gujarat

મોરબીમાં ક્ષત્રિયાણીઓનું પ્રતીક ઉપવાસ આંદોલન અને ધૂન- ભજન

મોરબી સહિત રાજ્યભરમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા અને ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજની લડાઈની આર યા પાર પર પહોંચી ગઈ છે.

જેમાં હવે ક્ષત્રિયાણીઓએ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ છે. મોરબીના સામાકાંઠે ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં મહિલાઓ પ્રતીક ઉપવાસ કરી રૂપાલા વિરુદ્ધ ધૂન લલકારી વિરોધ પ્રદર્શન કર્યું છે.

એક તરફ ભાજપ પણ નમતું જોખવા તૈયાર ન હોય તો બીજી તરફ ક્ષત્રિય સમાજ પણ અસ્મિતાની લડાઈ બનાવી સામ સામે આવી જતા રાજકોટ બેઠકની સાથે ગુજરાતની તમામ બેઠક પર વિરોધનો વંટોળ વધુ તેજ બન્યો છે.

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાસે ક્ષત્રિય સમાજની મહિલાઓએ આજથી પ્રતીક ઉપવાસ આંદોલન છેડયું છે.

આજે ક્ષત્રિય સમાજના બહેનોએ ઉપવાસ દરમિયાન પરસોતમ નામ ઉપર કટાક્ષ સાથે રોષ વ્યકત કરી નામ સાથે ગુણ હોવા જરૂરી હોવાનું કહીને તેમની સામે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.