Gujarat

દિલ્હીના સાહિત્ય ઉત્સવમાં કચ્છી ભાષા તથા કચ્છી સર્જકોને પ્રથમવાર સ્થાન અપાયું

સાહિત્ય અકાદમી અને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા દિલ્હી ખાતે યોજાયેલા વિશ્વના સૌથી મોટા સાહિત્ય ઉત્સવ (વર્લ્ડ લાર્જેસ્ટ લિટરેચર ફેસ્ટિવલ)માં કચ્છી ભાષાને પ્રથમવાર સ્થાન મળ્યું હતું જેમાં કચ્છના ત્રણ સર્જકો છવાઇ ગયા હતા. પબુ ગઢવી ‘પુષ્પ’એ કચ્છી સાહિત્ય તેમજ વીમી સદારંગાણી અને કલાધર મુતવાએ સિંધી સાહિત્ય કૃતિ પ્રસ્તુત કરી કચ્છનું ગૌરવ વધાર્યું હતું. વર્ડ બુક ઑફ રેકોર્ડસ દ્વારા આ ઈવેંટને વર્લ્ડ રેકર્ડ તરીકે નોંધવામાં આવી હતી. અકાદમીએ એક દિવસમાં 47 ભાષાના 94 જેટલા લેખકો- કવિઓને મંચ પૂરું પાડ્યું હતું. આ સાહિત્યિક ઉત્સવ દરમિયાન 150 સત્રમાં 100 થી વધુ ભારતીય ભાષાના1100 જેટલા હિત્યકારોએ ભાગ લઈ પોતાની ભાષાને રાષ્ટ્રીય ફલક પર મૂકી હતી.

આ લિટરેચર ફેસ્ટિવલમાં પ્રથમવાર કચ્છી ભાષાને સ્થાન મળ્યું હતું જેમાં પબુ ગઢવી ‘પુષ્પ’ને આદિવાસી કવિ સંમેલનના પ્રમુખ તરીકે સ્થાન અપાયું હતું. જેમાં વાગો સોસિયા (અરુણાચલ) અંજલિ બોલાવગા ( બાગરી),ગીતાંજલિ પૂજારી (ભોગા), લલિતમોહન મોઈ (કંધાન) જેવા કવિ/ કવયિત્રીઓએ કાવ્યપઠન કર્યું હતું. પ્રમુખસ્થાનેથી તેમણે કચ્છી કવિતા પ્રસ્તુત કરી હતી.

બહુભાષી કવિ સંમેલનમાં સિંધી ભાષાના પ્રતિનિધિ તરીકે ડૉ.વીમી સદા રંગાણીએ કાવ્યપઠન કર્યું હતું. આ કવિ સંમેલનના પ્રમુખ સ્થાને હિન્દી/પંજાબીના કવિ મોહનસિંઘ રહ્યા હતા. સમકાલીન સાહિત્ય પ્રવૃત્તિઓ પરિચર્ચાનું સત્ર વાય. ડી.થોંગચીના પ્રમુખ પદે યોજાયું હતું. જેમાં કલાધર મુતવાએ (સિંધી), મૃદલ હાલઈ (અસમી ), ડૉ. જયેન્દ્રસિંહ જાદવ (ગુજરાતી), ઇરોમ રવીન્દ્રસિંઘ (મણિપુરી), આશારામ લોમટે (મરાઠી) વિષયોચિત પત્ર વાંચન કર્યું હતું. જાણીતા સર્જક ગુલઝારે સિનેમા અને સાહિત્ય વચ્ચેના સંબંધ પર વિચારો રજૂ કર્યા હતા.

સાહિત્ય આકાદમીના ડૉ. કે. શ્રીનિવાસરાવે ગુલઝારના સાહિત્ય તેમજ સંસ્કૃતિ પ્રત્યેના પ્રદાનની પ્રશંશા કરી હતી. કચ્છના સાંસદ વિનોદ ચાવડા, કચ્છી સાહિત્ય મંડળના પ્રમુખ લાલજી મેવાડા ‘સ્વપ્ન’ , મંત્રી કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત’, ખજાનચી ગૌતમ જોશી, જયંતિ જોશી ‘શબાબ’, મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’, ડૉ. કાશ્મીરા મહેતા અને સપ્તરંગના પ્રમુખ ઝવેરીલાલ સોનેજીએ કચ્છનું ગૌરવ વધારવા બદલ કચ્છી સર્જકોને અભિનંદન આપ્યા હતા