Gujarat

આજે માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ ડિગ્રી તાપમાન, સહેલાણીઓ ઠંડીની મોજ માણતા નજરે પડ્યા, બરફની ચાદર જામી

હાલમાં પહાડી અને મેદાની વિસ્તારમાં શિયાળાની અસર જોવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં તાજેતરમાં પડેલી બરફબારીથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશના કોઈ મોટા શહેરો સહિત હિલ સ્ટેશનો પર ઠંડી પૂરજોશમાં જોવા મળી રહી છે. પહાડી વિસ્તારમાં પડેલી બરફવર્ષાને લઈને રાજસ્થાન અને ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે.

યાત્રાધામ અંબાજી નજીક આવેલા રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં થોડા દિવસથી તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે. તાપમાનમાં ઘટાડા થી માઉન્ટ આબુનું ખુશનુમા મોસમથી સહેલાણીઓ ખૂબ જ આનંદ લઈ રહ્યા છે. તો સતત બે દિવસથી પડતી તીવ્ર ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્તુઓ અને આગનો સહારો લઈ રહ્યા છે.

આજે માઉન્ટ આબુમાં માઈનસ ત્રણ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આજે સતત બીજા દિવસે રાજસ્થાનના મીની કાશ્મીર ગણાતું માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં પર્યટકો ઠંડીનો નજારો માણવા આબુ પહોંચ્યાં છે. હાલમાં માઉન્ટ આબુમાં ગાડીઓ ઉપર બરફની ચાદર જામી હતી.

તો ટુ વ્હીલર, ફોર વ્હીલર ઉપર પણ બરફની ચાદર જામેલી જોવા મળી રહી છે. માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ ઉપર બરફની ચાદર જામી છે. જેમાં પર્યટકો ફરતા જોવા મળી રહ્યાં છે અને ઠંડીની મોજ માણતા નજરે પડી રહ્યા છે.

માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. તાપણી કરીને લોકો ઠંડીથી બચવાના પ્રયાસો કરી રહ્યા છે. થર્ટી ફર્સ્ટ મનાવવા માટે ઘણા ટુરિસ્ટો આબુમાં પહોંચ્યા છે. જે બરફ સાથે નવા વર્ષની ઉજવણી કરવા માટે રાજસ્થાનના મીની કાશ્મીર પહોંચ્યા છે.