કલોલ શહેર પોલીસ મથકની હદ વિસ્તારની એમજી ડ્રીમ્સ અને લાલજી લ્યુમિનસ નામની બાંધકામ સાઇટ પરથી 18 લાખ 80 હજારની કિંમતના કેબલ વાયરોની ચોરી કરવાના ગુનાને અંજામ આપનાર આઠ જણાની તસ્કર ટોળકી પૈકી છ ચોરને ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે 20 લાખ 61 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી કાઢી વધુ તપાસ હાથ ધરી છે.
કલોલની એમજી ડ્રીમ્સ અને લાલજી લ્યુમિનસ નામની બાંધકામ સાઇટ ઉપર સુપરવાઇઝર તરીકે નોકરી કરતા સુનિલ પ્રહલાદભાઇ પટેલ ગત 25મી ઓક્ટોબરના રોજ બાંધકામ સાઇટ ઉપર હાજર હતો. તે સમયે સ્ટોર રૂમની બહાર ફ્લેક્ષીબલ ઇલેક્ટ્રીક વાયરનુ બંડલ મળી આવ્યુ હતુ. જેથી સ્ટોર રૂમમાં જઇને તપાસ કરતા એક બારી ખુલ્લી જોવા મળતી હતી.
જેનાં પગલે ચોરી થયાની આશંકા રાખીને સ્ટોર રૂમમાં તપાસ કરવામાં આવતા રૂ. 18.80 લાખની કિંમતના ઇલેક્ટ્રીક ફ્લેક્સીબલ કેલબના 340 બંડલ ગાયબ હતા. જેથી કરીને સીસીટીવી ચેક કરવામાં આવતાં જેથી સ્ટોર રૂમની આસપાસ લગાવેલા સીસીટીવી ચેક કરવામાં આવતા ગત 23 ઓક્ટોબરના રાતના 12થી 3:45 કલાક દરમિયાન અજાણ્યા 6 શખ્સો વાયરના બંડલોની ચોરી કરીને જતાં જોવા મળ્યા હતા.
આ મામલે કલોલ શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીના સીધા માર્ગ દર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી બી વાળાએ અલગ અલગ ટીમો બનાવીને ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કર્યો હતો. દરમ્યાન બાતમી મળી હતી કે, જગદિશચંદ્ર મથુરાલાલ કુમાવતે (રહે.બી/16, પ્રિયા એપાર્ટમેન્ટ, જજીસ બંગ્લોઝ રોડ, વસ્ત્રાપુર) તેના મળતિયાઓ સાથે મળીને ઉક્ત સ્થળે ચોરીને અંજામ આપ્યો હતો.

