સુરેન્દ્રનગર જિલ્લાના કટુડા ગામના વતની અને મિલનભાઇ રાવલે પોતાના 20 વીઘાના ફાર્મમાં 8 હજાર જેટલા લીલા અંજીરનું વાવેતર કરી કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે. માત્ર 9 માસમાં પ્રતિદિન 100 કિલો ઉત્પાદન મેળવતા આ પ્રગતિશીલ ખેડૂતનું લક્ષ્ય રોજના 300 કિલો અંજીર ઉત્પાદનનું છે. તેમણે સૂકી આબોહવાવાળા પંથકમાં આ સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી તેની સમગ્ર જાણકારી તેમના જ શબ્દોમાં.
વઢવાણ તાલુકાના કટુડા ગામમાં અમારી જમીન આવેલી છે. જિલ્લામાં દર વર્ષે બદલાતા હવામાન, માવઠાને કારણે મોટી રકમનો ખર્ચ કરવા છતાં પરંપરાગત ખેતીમાં પાક નિષ્ફળ જવાનો ખૂબ ભય રહે છે. આથી મેં કંઇક અલગ રીતે ખેતીને ડેવલોપ કરવા માટે વિચારી ખૂબ અભ્યાસ પછી નિષ્ણાતોની સલાહ લઇ 20 વીઘા જમીનમાં ઇઝરાયેલી લીલા અંજીરના 8 હજાર રોપાનું વાવેતર કર્યું. વાવેતરના 20 વર્ષ સુધી ફળ આપતા આ પાકની બીજી વિશેષતા એ છે કે 8 માસમાં તેનું ઉત્પાદન શરુ થઇ જાય છે.
શરૂઆતના સમયમાં ખુબ મહેનત કરવી પડી પરંતુ પ્લાન્ટ સેટ થઇ ગયા બાદ અત્યારે દરરોજ 100 કિલો અંજીરનો પાક ઉતરે છે. એક રોપામાંથી વર્ષે 20 કિલો જેટલું ઉત્પાદન મળી શકે છે. 8 હજાર રોપાનું ઉત્પાદન 160 ટન જેટલું થાય છે. વર્તમાન સમયે પ્રતિદિન 100 કિલો અંજીરનું ઉત્પાદન થાય છે. પરંતુ આગામી સમયમાં 300 કિલો સુધી ઉત્પાદન પહોચશે. ઓર્ગેનિક અંજીરની ખૂબ માંગ છે ત્યારે મિલનભાઇ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પણ અંજીરનું વેચાણ કરે છે. આગામી સમયમાં તેઓ વિદેશમાં નિકાસ કરવાની યોજના ધરાવે છે.

