Gujarat

સૂફી સંતોએ સમગ્ર વિશ્વને સમજણ અને સંતોષની સુંદર સોગાત આપી છે : ડૉ. મતાઉદ્દીન ચિશ્તી

હાંસોટ : ઘેર ઘેર ગાય પાળો, ઘેર ઘેર વૃક્ષો વાવો, માનવસેવા કોમી એકતા, ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ, ઘેર ઘેર સંસ્કાર મેળવો,તેમજ આધ્યાત્મિક પ્રગતિ જેવા ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી સાથે સંકળાયેલા પાલેજ ખાતે આવેલ વિશ્વ વિખ્યાત સંત રાજવલ્લભ હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયાં ચિશ્તી ત્રીજા (રહ.) સાહેબનો વાર્ષિક  ઉર્સ – મેળો દર વર્ષે ચૈત્ર સુદપૂનમે બે દિવસ માટે ઉજવાય છે  દેશ-વિદેશથી અહીં લાખોની સંખ્યામાં વિવિધ કોમના લોકોની મેદની કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. આ વર્ષે તા. 22મી એપ્રિલ સોમવાર ના સંદલ શરીફ ની વિધિ થઇ હતી અને 23મી એપ્રિલ મંગળવારના  ઉર્સ સાથે કવ્વાલીનો કાર્યક્રમ થયો હતો.
               મોટામિયાં માંગરોલની ગાદીનાં વર્તમાન ગાદીપતિ- સજ્જાદાનશીન આદરણીય હિઝ
હોલીનેસ હજરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીની વિશેષ ઉપસ્થિતિમાં થયો હતો, આ કાર્યક્રમમાં તેઓના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી તથા મોઇનુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, ફરીદુદ્દીન મોઇનુઉદ્દીન ચિશ્તી, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી, બદરુદ્દીન મતાઉદ્દીન ચિશ્તી તથા કુટુંબીજનોની ઉપસ્થિતિમાં સાંજે 6 કલાકે સંદલ શરીફ ચઢાવી ફુલ ચાદર ચઢાવવામાં આવેલ હતી. દેશમાં ભાઈચારો અને શાંતિ બની રહે તે માટે વિશેષ દુઆ કરવામાં આવેલ હતી, આ સંદલ શરીફમાં હિન્દુ- મુસ્લિમ ભાઈઓ, બેહનો  વિદેશથી પધારેલ મેહમાનો, ખૂબ મોટી સંખ્યા ઉપસ્થિત રહી  કોમી એકતાનું વિશેષ ઉદાહરણ પૂરું પાડેલ હતું. તા 23 ના રાત્રે ડૉ મતાઉદ્દીન ચિશ્તીએ પોતાની આગવી શૈલીમા જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, આજકાલ સમજાવનારા વધ્યા પરંતુ સમજનારા ઘટ્યા પરિણામે શબ્દો સંવેદના વિહીન અને અભ્યર્થના આત્મીયતાનાં અભાવયુક્ત થઇ ગઇ છે, સૂફી-સંતોએ સમગ્ર વિશ્વને સમજણ અને સંતોષની સુંદર સોગાત આપી છે, પોતાને સિવાય કોઇ અન્ય માટે નિસ્વાર્થ ભાવે કંઇક કરી જવાની ભાવના જીવનમાં વ્યકિતને ખૂબ આગળ લઇ જાય છે, જે શૈલી શીખવાનું સરનામું સાચા સૂફી- સંતો છે, આસ્થામાં જ શક્તિ સમાયેલી છે, દ્રઢ આસ્થાએ આધ્યાત્મિકતાનું અગત્યનું પરિબળ છે, આ ઉપરાંત યુવા યુવા પેઢીને સંસ્કાર આપવા પર વિશેષ ભાર મૂકયો હતો પ્રવચન બાદ કવ્વાલી તથા ભજનના કાર્યક્રમ થયા હતા.ઉર્સ દરમિયાન કાયદો વ્યવસ્થા જાણવવા બદલ પોલીસ વિભાગ વહીવટી તંત્ર અને સ્વયં સેવકોનો પણ આભાર માનેલ હતો.