જામનગરના યુવકના બે વચેટ મહિલાઓ રૂપિયા લઈને ભરૂચમાં રહેતી યુવતી જોડે લગ્ન કરાવી આપ્યા હતા.પરતું લગ્ન કરીને ગયેલી યુવતી માત્ર 10 દિવસમાં જ જામનગરથી પરત ભરૂચ ભાગી આવી હતી.ત્યાર બાદ યુવકે પોતાના રૂપિયા લેવા અનેકવાર ફોન કરી અને ભરૂચ આવી પણ આવી ગયો હતો.
તેમ છતાંય તેના રૂપિયા પરત નહિ આપતા ઉશ્કેરાયેલા યુવકે તેના ઘરનાને જાનથી મારી નાખવાનો પ્લાન બનાવી ભરૂચની વસંત મીલની ચાલમાં આવતા દરવાજો કિશન વસાવાએ ખોલતા તેના પર પેટ્રોલ છાંટી સળગાવી ભાગી ગયો હતો.આ આરોપીને ભરૂચ પોલીસે પકડી વધુ તપાસ હાથ ધરી છે.
યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
ગત તારીખ-19મી માર્ચના રોજ ભરૂચ શહેરના આલી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સૂઈ રહ્યો હતો તે દરમિયાન બુકાનીધારી ઈસમે યુવાનના ઘરમાં પ્રવેશ કરી પેટ્રોલ ભરેલી થેલી મારી સળગતો દીવો નાખી તેને જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ કરાયો હતો.
આગની લપેટમાં આવી ગયેલા કિશન વસાવાને સ્થાનિકોએ બચાવી તાત્કાલિક સારવાર માટે પ્રથમ ભરુચ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઘટના અંગે ભરુચ બી ડિવિઝન પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આરોપી પૂછતાળ દરમિયાન ભાંગી પડ્યો
આ મામલાને પોલીસે ગંભીરતાથી લઈને LCB ,સ્થાનિક પોલીસ સાથે મળીને ગુનો શોધી કાઢવા અલગ-અલગ ટીમો બનાવી હતી.આ ટીમોએ સીસીટીવી ફુટેજ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી મદદ મેળવી તપાસ હાથ ધરી હતી.જેમાં આ ગુનાનો આરોપી ભરૂચ નેશનલ હાઇવે ઉપર હાજર હોવાની માહિતી સાથે જામનગરના ગુલાબનગર ખાતે રહેતા આરોપી દીલીપ રમેશભાઇ ઉર્ફે રામજીભાઇ સોલંકીને ઝડપી પાડ્યો હતો.આ અંગે તેની પુછતાજ કરતા તે ભાંગી પડ્યો હતો. તેણે પોતાના લગ્ન કરવા આપેલા રૂપિયાની પરત નહિ આપતા ઉશ્કેરાઈ જઈ શીલા અઠવા તેના પરિવારના કોઈ પણ સભ્યને મારી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.જેથી પોલીસે તેની સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.
યુવતી માત્ર 10 જ દિવસ જામનગર રહી હતી
જામનગર ખાતે રહેતો આરોપી દીલીપ રમેશભાઇ ઉર્ફે રામજીભાઇ સોલંકી લગ્ન માટે યુવતી શોધતો હતો.આ દરમિયાન નડિયાદની એક મહિલા મારફતે ભરૂચની શીલા નામની મહિલાનો સંપર્ક થયો હતો.જેમાં શીલાએ, કંચન નામની યુવતીને લઈને જામનગર ખાતે ગઈ હતી. જ્યાં આરોપીને યુવતી પસંદ આવતાં નડિયાદની મહિલા અને શીલાએ લગ્ન માટે રૂ.1.65 લાખ નક્કી કરી આરોપી પાસે લીધા હતા.ત્યાર બાદ કંચન નામની યુવતી માત્ર 10 દિવસ જામનગર ખાતે રહી ભરૂચ ભાગી આવી હતી.જેથી આરોપીએ ભરૂચ ખાતે લગ્નમાં વચ્ચે રહેલી શીલાને ફોન કરી પોતાના રૂપિયાની પરત લેવા માંગ કરી હતી.પરતું તેમ છતાંય તેઓએ આરોપીના રૂપિયા પરત નહિ આપતા આરોપીએ અગાઉ શીલાના ઘરે બેઠક થઈ હોય ત્યાં જે પણ હોય તેને પતાવી દેવાનો પ્લાન કર્યો હતો.

પહેલા એસિડ નાખવાનો પ્લાન બનાવ્યો હતો
આ મામલે ભરૂચના ડીવાયએસપી સી.કે.પટેલે જણાવ્યું હતું કે,આરોપી દિલીપ સોલંકી નવસારી કોર્ટમાં દારૂના ગુનાનો કેસ ચાલતો હોય તે પતાવી પરત આવતી વખતે તેની સાથે છેતરપિંડી કરનારના પરિવારના કોઈ પણ સભ્ય પર હુમલો કરી બદલો લેવા પ્લાન બનાવ્યો હતો.જેમાં સૌ પ્રથમ દિલીપે નવસારીથી એસિડ છાંટવાનો પ્લાન બનાવી એસિડની ખરીદી કરી હતી.
પરતું આ એસિડનો તેણે પોતાના પર ટેસ્ટ કરતાં એસિડની એટલી પ્રબળતા નહિ જણાતા તેણે પેટ્રોલ છાંટીને સળગાવી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.જેથી તેણે નવસારીથી બોટલમાં પેટ્રોલ ખરીદી પેટ્રોલ નાખવા માટે એક સ્ટીલનો ડબ્બો પણ ખરીદી કરી સાથે લાવી શીલાના ઘરે પહોંચી દરવાજો ખખડાવતા કિશન વસાવાએ દરવાજો ખોલતા તેણે તરત કિશન પર પેટ્રોલ ફેંકી તેને સળગાવી ભાગી ગયો હતો.
પોતાના રૂપિયા પરત નહિ મળતા પ્લાન બનાવ્યો હતો
આ મામલે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, નડિયાદની મહિલા અને ભરૂચની શીલાએ કોઈ કંચન નામની પરણીત અને બે સંતાનોની માતાને કુંવારી બતાવી આરોપી દિલીપ સોલંકી સાથે મુલાકાત કરાવી હોવાનું જાણવા મળ્યું છે.
આ લોકોએ આરોપી પાસે લગ્ન કરવા માટે રૂ.1.65 લાખ લઈને કંચન નામની મહિલાના દિલીપ સાથે કોઈ મંદિરમાં ફૂલ હાર કરાવી જામનગર મોકલી આપી હતી.જે બાદ કંચન માત્ર 10 દિવસ જ રોકાઈને પોતાના ઘરે આવી ગઈ હોવાથી આરોપીએ પોતાના રૂપિયા શીલા પાસે પરત માંગ્યા હતા.જે નહિ મળતા ઉશ્કેરાયેલા દિલીપે આખો પ્લાન બનાવી દીધો હતો.