Gujarat

કાલાવડના હરીપર મેવાસામાંથી દેશી પિસ્તોલ સાથે એક શખ્સને LCBએ દબોચી લીધો, સપ્લાયર ફરાર

જામનગરના કાલાવડ તાલુકાના હરિપર મેવાસા ગામે એલસીબીએ દરોડો પાડી અરમાન ઉર્ફે ભોલિયો નામના શખ્સને દેશી પીસ્ટલ સાથે પકડી પાડયો હતો. આ હથિયાર ધૂનધોરાજી ગામે ખેત મજૂરી કરતા શ્રમિક શખ્સે સપ્લાય કર્યું હતું. જે હાલ ફરાર છે. જ્યારે અરમાનની પોલીસે ધરપકડ કરી હતી.

જામનગરના કાલાવડ તાલુકામાંથી એલસીબી પોલીસે એક શખ્સના રહેણાંક મકાનમાં બાતમીના આધારે દરોડો પાડી પિસ્તોલ સાથે ઝડપી લઈ સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં હરીપર મેવાસા ગામમાં રહેતા અરમાન ઉર્ફે ભોલીયો ડાડાભાઈ હાલેપૌત્રા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં લાયસન્સ પરવાના વગરની પિસ્તોલ રાખી હોવાની બાતમી એલસીબીના હરદીપભાઈ બારડ, મયુરસિંહ જાડેજા તથા ઋષિરાજસિંહ જાડેજાને બાતમી મળતા પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. કરમટા તથા પી.એન. મોરીની સૂચનાથી રહેણાંક મકાનમાં દરોડો કરી રૂ.25 હજારની પિસ્તોલ કબ્જે કરી અરમાન નામના શખ્સને ઝડપી લઈ હથિયાર સપ્લાય કરનાર મહેશ નારણભાઈ રાઠવા (રહે. ધૂનધોરાજી તા. કાલાવડ) નામના શખ્સને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.