Gujarat

વિકાસના મોટા મોટા દાવાઓ કરતા ગુજરાત રાજયની શરમજનક ઘટના સામે આવી

જ્યાં રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આજે પ્રસૂતાને ઝોળીમાં લઈ જતા સમયે રસ્તમાં જ  પ્રસુતિ દરમિયાન બાળકીને જન્મ આપ્યો પરંતુ બાળકીએ જન્મતાની સાથે જ માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
છોટાઉદેપુર જિલ્લાના છેવાડાનું તુરખેડા ગામમાં આંતરિક રસ્તા ન હોવાના કારણે આજે વહેલી સવારે પ્રસૂતા મહિલાને ઝોળીમાં નાખીને ઉંચકીને લઈ જતાં રસ્તામાં પ્રસુતિ થઈ ગઈ, જેમાં મહિલાનું મોત નીપજ્યું જ્યારે નવજાત બાળકીનો આબાદ બચાવ થયો છે. ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રિભેટે આવેલ અને છોટાઉદેપુરના ઉટી તરીકે ઓળખાતા તુરખેડા ગામમાં આઝાદીના 77 વર્ષ બાદ પણ આંતરિક રસ્તાનો અભાવ જોવા મળે છે, જેને લઇને ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
કોઈ બીમાર પડે ત્યારે ઝોળી બનાવીને ઉંચકીને 5 કિલોમીટર ખડલા સુધી લઈ જવાની ફરજ પડે છે. અવાર નવાર દર્દીઓને ઝોળીમાં નાંખી લઈને જતા ગ્રામજનોનો વિડિઓ સામે આવતા રહ્યા છે.
ત્યારે આજે વહેલી સવારે લગભગ 5 વાગ્યે તુરખેડા ગામના બસ્કરિયા ફળિયામાં રહેતા કિશનભાઇ ભીલની પત્ની કવિતાબેનને પ્રસુતિની પીડા ઉપડી હતી, જેથી પરિવારજનો તેમજ ગ્રામજનોએ ઝોળી બનાવીને કિશનભાઈની પત્ની કવિતાબેનને ઝોળીમાં નાખીને ખભે ઉંચકીને ઊંચા ઊંચા ડુંગર ચઢીને ખડલા લઈ જતાં હતા ત્યારે, રસ્તામાં જ પ્રસુતિ થઈ ગઈ . રસ્તામાં પ્રસુતિ થતા નવજાત બાળકીનો જન્મ થયો , પરંતુ મહિલા મૃત્યુ પામી છે અને નવજાત બાળકીએ જન્મતાની સાથે જ માતાનો ખોળો ગુમાવી દીધો છે. ગ્રામજનો રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે તો પ્રશાસન ૧૧ કરોડની દરખાસ્ત મોકલી હોવાનો સંતોષ માની રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર