Gujarat

રાજકોટમાં મહિલા સહાયતા કેન્દ્રના ૧૦ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતાં ઉત્સાહભેર ઉજવણી કરાઈ

રાષ્ટ્રીય બાળ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ, એપ્લીકેશનપોલીસ ખાતાં અંગે માહિતગાર કરાયા

રાજકોટ શહેરમાં આવેલા મહિલા પોલીસ મથક ખાતે કાર્યરત પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર)ને ગત તા. ૧૪ના રોજ ૧૦ વર્ષ પૂર્ણ સફળતાપૂર્વક થયા છે. જેની કેક કટિંગ કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ‘રાષ્ટ્રીય બાળ દિવસ’ નિમિત્તે પોલીસ મથક ખાતે ધો. ૮થી ધો. ૧૨ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ, ગુડ ટચ – બેડ ટચ, વિવિધ એપ્લીકેશન, પોલીસ ખાતાંની કામગીરી સહિતની બાબતો અંગે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.

 

આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રી ડો. જનકસિંહ ગોહિલ, દહેજ પ્રતિબંધાત્મક અધિકારીશ્રી સીમાબેન શિંગાળા, મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ભૂમિબેન અકબરી, મહિલા પોલીસ સ્ટેશનના કાઉન્સિલરશ્રી દક્ષાબેન ચાંદલિયા, સામાજિક કાર્યકરશ્રી મીનુબેન જસદનવાલા સહિત સખી વન સ્ટોપ સેન્ટર, નારી ગૃહ, બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં કુલ ૩ મહિલા સહાયતા કેન્દ્ર કાર્યરત છે. રાજકોટ મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર વર્ષ ૨૦૧૪થી કાર્યરત છે. જેમાં મહિલાઓ માટે ઘરેલુ હિંસા, પ્રિ-મેરિટલ કાઉન્સિલિંગ તેમજ મહિલાને લગતી સમસ્યાઓનું સાયકોલોજીકલ કાઉન્સિલિંગ કરવામાં આવે છે. મહિલાઓ કોઈપણ પ્રકારનો ભય રાખ્યા વિના મહિલા સહાયતા કેન્દ્રમાં મદદ માટે આવી શકે છે.