Gujarat

સુરતના મોટાવરાછા રિંગરોડના ગમખ્વાર માર્ગ અકસ્માત; બેના મોત, બેની હાલત ગંભીર

સુરતના મોટાવરાછા રિંગરોડ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો જેમાં પુરપાટ ઝડપે આવતી ગાડીના ચાલકે રોડની સાઈડમાં બેઠેલા સાત જેટલા લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બે લોકોના કરુણ મોત નીપજયા હતા. જ્યારે એક સગર્ભા સહીત ચાર લોકો હાલ સારવાર હેઠળ છે. જો કે મોડી રાત્રે ઘટના બનતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કારચાલકની ધરપકડ પણ કરી લીધી હતી.

સુરતમાં ગત મોડી રાત્રે ૧૧.૩૦ વાગ્યા આસપાસ મોટા વરાછા રિંગ રોડ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ચાર લોકોને ઉડાડ્‌યા હતા. જેમાં પિતા – પુત્ર અને માસાનું મોત નીપજ્યું હતું અને ૪ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે તાત્કાલીક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર છે. તેમાંય એક તો સગર્ભા છે. તેમજ કાર ચાલકે ચાર જેટલા ટુ-વ્હીલરને પણ ઉડાડતા એક બાઈક કારની નીચે આવી જતા ઢસડાયું હતું. ઉલ્લેખનીય છે કે, અકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઈડમાં ટુ-વ્હિલરો પર બેઠા હતા.

આ મામલે અકસ્માતનો ભોગ બનેલા જિજ્ઞેશ મેયાણીએ જણાવ્યું હતું કે, કાલે રાત્રે મારી બે બહેન, મારા બન્ને જીજાજી, મારો ભાણજ અને મારી નાની બહેન, નાનો ભાઈ વેલેંજા રીંગ રોડે બેસવા ગયા હતાં. તેઓ તમામ રોડની એકદમ સાઈડમાં બેઠા હતા. ત્યાંથી એક કારચાલક ફૂલ ઝડપથી જાણે આ લોકોને ઉડાવવા આવ્યો હોય તેમ કાર બધાની માથે ચડાવી દીધી હતી. આ ઘટનામાં સારવાર દરમ્યાન ત્રણ લોકોના મોત થયા છે.

છ વર્ષનો મારો ભાણીયો વિયાન દેવેશભાઈ વાઘાણી, મારા જીજાજી દેવેશભાઈ વાઘાણી અને મારા બીજા જીજાજી સંકેત હિંમતભાઈ વાવડિયાનું મોત થયું છે. મારી એક બહેન સગર્ભા છે. હાલમાં હોસ્પિટલમાં ચાર જણા સારવાર હેઠળ છે. અમારી એટલી જ માંગ છે આવા લોકોને સખતમાં સખત સજા થવી જોઈએ. તે કદી જેલમાંથી બહાર ન આવવો જોઈએ.

આ માર્ગ અકસ્માતમાં બચી ગયેલા અજય મિયાણીએ જણાવ્યું હતું કે, અમારી એક બહેન ગામડેથી આવી હતી એટલે અમે બધા ત્યાં ગયા હતા. પરમદિવસે અમારે પણ કામ હોવાથી ગામડે જવાનું હતું. આથી અમે બધા બેઠા હતા અચાનક ૧૦૦ કિમીની ઝડપે કાર આવી અને બધાને ઉડાડ્‌યા હતા. અકસ્માત જોવાની મારી હિંમત જ નહોતી, હું પોતે ભાનમાં નહોતો. મને એક પગમાં, છાતી અને એક હાથમાં ઇજા થઈ છે. ફ્રેક્ચર થઈ ગયું હોય તેવું લાગે છે. મારા પરિવારમાં ભાણેજ અને ૨ જીજાજી એક્સપાયર થઈ ગયા છે.

આ અકસ્માત મામલે એસીપી આર.પી.ઝાલાએ જણાવ્યું હતું કે , આ ઘટના ગઈ રાત્રે બની હતી. કાર ચાલક અમદાવાદથી આવી રહ્યો હતો. તેની પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે પોતાના અમદાવાદના સંબંધી જે કેન્સરથી પીડિત છે તેના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખબર અંતર પૂછીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન તે સુરતના રિંગ રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો.

આ દરમિયાન એકાએક ઝોકું આવી જતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેના કારણે અકસ્માત થયો હતો. પોલીસ દ્વારા હાલ તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રાતે જ તેના મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા. આરોપી અકસ્માત સમયે નશાની હાલતમાં ન હોવાનું જણાય આવ્યું છે તેમજ આરોપીની સામે ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે, પોલીસ દ્વારા હજી પણ તપાસ કરવામાં આવી રહી છે.