Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન

છોટાઉદેપુરમાં શનિવારી હાટમાં રેલી અને નાટક દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ
પરંપરાગત નાટય-સંગીત જોવા માટે માનવ મહેરામણ ઉભરાયું
 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે, આ ચૂંટણીમાં જિલ્લાના વધુમાં વધુ નાગરિકો મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરી તથા સ્વીપના નોડલ આનંદકુમાર પરમાર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
છોટાઉદેપુર શહેરના સરદાર બાગ પાસે શનિવારી હાટમાં મતદાન જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્વીપના નોડલ આનંદકુમાર પરમારે લોકોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાનના દિવસે મતદાન કરવા તેમજ અન્યને પણ મતદાન માટે પ્રેરિત કરવા અપીલ કરી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ રેલી તથા નાટ્ય-સંગીત દ્વારા લોકોને મતદાનનું મહત્વ સમજાવીને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. મતદાન જાગૃતિના નાટક દરમિયાન લોકોને કોઈ લોભ-લાલચમાં આવ્યા વિના મુક્ત રીતે મતદાન કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે અચુક મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સ્વીપ તથા નગરપાલિકાના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.