Gujarat

વરસાદ આવે એટલે ભૂકંપપ્રૂફ ‘અટલ મહેલ’માં પાણી ભરાવાની સમસ્યા યથાવત

જિલ્લા મથક ભુજ સ્થિત કચ્છની એકમાત્ર સરકારી ગેઇમ્સ સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલ કરોડો રૂપિયા ખર્ચીને ભૂકંપપ્રૂફ બનાવવામાં આવી હતી, પરંતુ શરૂઆતથી જ પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. જ્યારે પણ વરસાદ આવે ત્યારે ભોંય તળિયે પાણી ભરાઈ જતું હોય છે. રવિવારે સાંજે વરસાદ પડતા ફરી પાણી ભરાયા હતા.

સોમવારે બપોર સુધી બેઝમેન્ટની બધી જ ઓપીડી ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવામાં આવી હતી. સામાન્ય રીતે સબમર્સીબલ પંપ લગાવીને પાણી દૂર કરવામાં આવે છે, પરંતુ રવિવારે સાંજથી સોમવાર સવાર સુધી આ પાણી ઉલેચી શકાયા નહોતા.

જેને કારણે જનરલ ઓપીડી ઉપરાંત કાન, નાક, ગળા વિભાગ, દાંત વિભાગ, હાડકાનો વિભાગ, આંખનો વિભાગ વગેરે ભોંયતળિયેથી ખસેડીને ગ્રાઉન્ડ ફ્લોર લાવવામાં આવ્યા હતા.

જોકે જગ્યાની સંકળાશને કારણે અને દર્દીઓની સંખ્યા ખૂબ હોવાથી લાંબી કતારો લાગી ગઈ હતી. હાલ ઋતુ ફેરને કારણે ડેન્ગ્યુ તાવ, ચિકનગુનિયા જેવી બીમારીઓએ ભરડો લીધો છે ત્યારે સરકારી હોસ્પિટલમાં આવી રીતે પાણી ભરાઈ જાય તો તાત્કાલિક તેને ઉલેચવાની વ્યવસ્થા હોવી જરૂરી છે.