રશિયાના નવા ઈન્ટરમીડિએટ મિસાઈલ હુમલા બાદ પશ્ચિમી દેશોમાં તણાવ ઉભો થયો છે. આ કારણે મંગળવારે (26 નવેમ્બર) યુક્રેન અને નાટો વચ્ચે ઈમરજન્સી બેઠક મળશે. ઝેલેન્સકીની અપીલ પર આ બેઠક યોજાઈ રહી છે.
આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે 33 મહિના સુધી ચાલેલા યુદ્ધમાં પહેલીવાર રશિયાએ યુક્રેનના શહેર નિપ્રો પર હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે. સાથે જ યુક્રેને પશ્ચિમી દેશો પાસેથી મળેલા ખતરનાક હથિયારો રશિયા પર વરસાવ્યા છે.
આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ‘ઓરેશ્નિક’ મિસાઈલનું વધુ ટેસ્ટિંગ કરવાની ધમકી આપી છે. રશિયાના સૈન્ય વડાઓ સાથેની બેઠકમાં તેમણે આ વાત કહી હતી.
રશિયાએ ગુરુવારે જ યુક્રેનના નિપ્રો શહેર પર ઈન્ટરમીડિએટ મિસાઇલ વરસાવી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેને મિસાઈલનું ટેસ્ટિંગ ગણાવ્યું છે. આ મિસાઈલનું નામ ઓરેશ્નિક છે.
ખરેખરમાં, 18 નવેમ્બરના રોજ, બાઈડને યુક્રેનને અમેરિકન હથિયારોથી રશિયા પર હુમલો કરવાની મંજૂરી આપી હતી. આ પછી બંને પક્ષો વચ્ચે ટકરાવ વધી ગયો છે.

