તુર્કીની પોલીસે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદના એજન્ટને પૈસા ટ્રાન્સફર કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. તુર્કીના સત્તાવાર મીડિયા અનુસાર, આરોપી તુર્કિયેમાં હાજર ઇઝરાયેલના ગુપ્તચર એજન્ટને પૈસા પહોંચાડતો હતો. કોસોવોના લિરિડોન રેક્સેપી તરીકે ઓળખાયેલ શંકાસ્પદ, ૨૫ ઓગસ્ટના રોજ તુર્કીમાં પ્રવેશ્યો હતો અને ગયા શુક્રવારે તેની અટકાયત કરવામાં આવી હતી. મંગળવારે તુર્કીની પોલીસે ઔપચારિક રીતે તેની ધરપકડ કરી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પૂછપરછ દરમિયાન તેણે પોતાના પર લાગેલા આરોપોની કબૂલાત કરી હતી. જાન્યુઆરીથી, તુર્કીની સુરક્ષા એજન્સીઓએ ડઝનેક શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે જેઓ ઇઝરાયેલ માટે કામ કરી રહ્યા હતા. તેમાંથી મોટા ભાગનાને તુર્કીમાં રહેતા પેલેસ્ટાઈનીઓના ડેટા એકત્ર કરવાની શંકાના આધારે અટકાયતમાં લેવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે ઈઝરાયેલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પહેલીવાર નથી જ્યારે ઈઝરાયેલની જાસૂસી સંસ્થા સાથે જાેડાયેલા લોકો કોઈ દેશમાં પકડાયા હોય. ગાઝામાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધની શરૂઆતથી જ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન ગાઝામાં ઈઝરાયેલની લશ્કરી કાર્યવાહીના સૌથી મોટા ટીકાકારોમાંના એક છે અને સમયાંતરે હમાસના વખાણ કરે છે.
ગાઝામાં માનવતાવાદી સંકટના વિરોધમાં, ઇઝરાયેલ સાથેના તમામ વેપાર સંબંધો સમાપ્ત કરવામાં આવ્યા છે અને ઇઝરાયેલના રાજદૂતને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. જાે કે, કેટલાક રેસેપ તૈયપ એર્દોગન વિરોધીઓએ દાવો કર્યો છે કે ઇઝરાયેલની સેનાને શસ્ત્રોનો પુરવઠો પહોંચાડતા જહાજાે તુર્કીના બંદરો પરથી જઈ રહ્યા છે. અઝરબૈજાનથી ઇઝરાયેલને સપ્લાય કરવામાં આવતો ગેસ અને તેલ પણ તુર્કીમાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં એર્દોગન પર માત્ર શબ્દો દ્વારા પેલેસ્ટાઈનને સમર્થન આપવાનો આરોપ છે.