Sports

જયસ્વાલ-રાહુલે ભારતીય ઇનિંગનો હવાલો સંભાળ્યો; બન્નેની પાર્ટનરશિપથી ટીમની લીડ 100 રનને પાર

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર 100+ રનની લીડ મેળવી લીધી છે. ટી-બ્રેક સુધી ભારતીય ટીમે બીજી ઇનિંગમાં વિના નુકસાન 84 રન બનાવી લીધા છે.

ભારતની કુલ લીડ 130 રનની થઈ ગઈ છે. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલની ઓપનર જોડી ક્રિઝ પર છે. બંને વચ્ચે 50+ રનની ભાગીદારી થઈ છે.

પર્થમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઇનિગમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે પ્રથમ ઇનિંગના આધારે 46 રનની લીડ મેળવી હતી. શનિવારે ઓસ્ટ્રેલિયાએ 67/7ના સ્કોરથી રમત શરૂ કરી હતી અને 37 રનમાં છેલ્લી 3 વિકેટ ગુમાવી દીધી હતી. વિકેટકીપર એલેક્સ કેરી પ્રથમ દિવસે તેના સ્કોરમાં માત્ર 2 રન જ ઉમેરી શક્યો હતો અને તેણે કુલ 21 રન બનાવ્યા હતા જ્યારે નાથન લાયને 5 રનનું યોગદાન આપ્યું હતું. મિચેલ સ્ટાર્કે સૌથી વધુ 26 રનની ઇનિંગ રમી હતી.

ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહે 5 વિકેટ ઝડપી હતી. ડેબ્યુટન્ટ હર્ષિત રાણાએ 3 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજને 2 વિકેટ મળી હતી. શુક્રવારે મેચના પહેલા દિવસે ભારતીય ટીમ 150 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.