Entertainment

એક્ટ્રેસ સોનલ બંસલે કહ્યું, ‘ઇન્ડસ્ટ્રીએ મને શ્વાસ પણ લેવા દીધો નથી’

બિગ બોસ 17ની કન્ટેસ્ટન્ટ સોનિયા બંસલે તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે કે, તે લાઇફ કોચ અને સ્પિરિચ્યુઅલ હીલર બની ગઈ છે. એક્ટ્રેસ ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી રહી છે.

સોનિયા બંસલે ઈટાઇમ્સને આપેલા ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે, ‘આપણે બીજાઓ માટે બધું જ કરવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે, આપણે પોતાને ભૂલી જઈએ છીએ. મને હવે સમજાયું કે, મારા જીવનનો સાચો હેતુ શું છે તેની પણ મને ખબર નથી. સર્વગુણ સંપન્ન બનવા, સુસંગત રહેવા અને વધુ કમાવવાની દોડમાં, હું મારી જાતને ખોઈ બેઠી છું.’

તેણે વધુમાં કહ્યું, ‘મારી પાસે પૈસા, નામ, ખ્યાતિ, લોકપ્રિયતા બધું જ છે પણ શાંતિ નથી. જો તમારી પાસે શાંતિ જ ન હોય તો આવા પૈસા શું કામના? તમારી પાસે બહાર અઢળક વસ્તુઓ હોય પણ અંદરથી ખાલી હોવ ત્યારે એ ખૂબ જ અંધકારમય જગ્યા હોય છે.

એક્ટ્રેસે કહ્યું, ‘મારે જીવનમાં શું જોઈએ છે તેના માટે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો છે. આ ઇન્ડસ્ટ્રીએ મને ઓળખ આપી છે પરંતુ સ્થિરતા નથી આપી. મને શ્વાસ પણ લેવા દીધો નથી. હું હવે દેખાડો નહીં કરી શકું. હું પ્રમાણિક રીતે જીવવા માંગુ છું, મારી માટે લાઇફ કોચ અને સ્પિરિચ્યુઅલ હીલર બનવા માંગુ છું.’

‘તમારું જીવન ક્યારે બદલાઈ જશે તમને ખબર પણ નહીં પડે. ક્યારે મોત તમારું બારણું ખખડાવશે, અને જો તમે ત્યાં સુધી સત્યતાથી નથી જીવ્યા તો આ યાત્રાનો શું અર્થ છે?’