ગાંધીનગરમાં રિક્ષા ગેંગે વધુ એક મહિલા મુસાફરને નિશાન બનાવી છે. રાજસ્થાનના ભીનમાલથી આવેલી મહિલા પાસેથી 1.80 લાખની રોકડ ચોરાઈ છે. ચંપાદેવી મોહનલાલ સોલંકી તેમના માસીને મળવા માટે ગાંધીનગર આવી રહ્યા હતા. 19 ફેબ્રુઆરીના રોજ બપોરે એક વાગ્યે તેઓ કાલુપુર રેલવે સ્ટેશનથી ઇન્દિરા બ્રિજ સુધી પ્રાઇવેટ વાહનમાં આવ્યા હતા.
ઇન્દિરા બ્રિજ પર પાંચ મિનિટ રાહ જોયા બાદ તેમને ગાંધીનગર પથિકા બસ સ્ટેન્ડ જવા માટે એક રિક્ષા મળી. રસ્તામાં રિક્ષા ચાલકે મહિલાની નજર ચૂકવીને તેમની બેગમાંથી રોકડ રૂ. 1.80 લાખની ચોરી કરી લીધી હતી.
એપોલો સર્કલ પાસે નર્મદા કેનાલ નજીક રિક્ષા ચાલકે મહિલાને ઉતારી દીધા અને ગાંધીનગર તરફ ભાગી ગયો હતો. મહિલાને શંકા જતાં બેગ તપાસી તો પૈસા ગાયબ હતા. ત્યારબાદ તેઓ અન્ય રિક્ષામાં કોબા સર્કલ થઈને ગાંધીનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા અને મહિલાએ તેમની બહેનને ઘટનાની જાણ કરી અને પછી રાજસ્થાન પરત ફર્યા હતા. ઇન્ફોસિટી પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.