6 વર્ષ પહેલાં રાજધાની એક્સપ્રેસમાંથી 7.69 કિલો એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા બે આરોપીઓને કોર્ટ દ્વારા 15 વર્ષની કેદ અને રૂ.1.50 લાખના દંડની સજા ફરમાવી છે.
24 ઓક્ટોબર, 2018ના રોજ સુરત ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ)ની ટીમને માહિતી મળી હતી કે, રાજધાની એક્સપ્રેસના કોચ નંબર 5માં બે શખ્સો ડ્રગ્સ સાથે મુસાફરી કરી રહ્યા છે. ડીઆરઆઇ ટીમે સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન તપાસી સુનિલ કૌશિક (રહે. લોહારી જાટુ, ભીવાની, હરિયાણા) અને ફોતીકલ અલી (રહે. વઝીરપુર, નવી દિલ્હી)ને પકડી પાડ્યા હતા.
જડતી દરમિયાન બંનેની પાસેથી 7.69 કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું, જેની બજાર કિંમત કરોડો રૂપિયામાં ગણાય છે. ડીઆરઆઇ દ્વારા બંને શખ્સોની ધરપકડ કરી તેને કાનૂની કાર્યવાહીમાં મૂકવામાં આવ્યા.કેસ દરમિયાન ડીઆરઆઇના વકીલ ઇમરાન મલેકે દલીલ કરી હતી કે, આરોપી નવી દિલ્હીમાં રૂમ ભાડે રાખીને ડ્રગ્સ તૈયાર કરતા અને દેશભરમાં તેની હેરફેર કરતા હતા. આ દલીલ સાથે આરોપીઓની વિરુદ્ધ પૂરતા પુરાવા રજૂ કરવામાં આવ્યા.
કોર્ટએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ એનડીપીએસ (નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટ હેઠળ બંનેને તકસીરવાર ઠરાવ્યા. કોર્ટે નોંધ્યું કે, ડ્રગ્સની હેરફેર કરનારા સામાજિક હાનિમાં મોટું યોગદાન આપે છે અને આવી પ્રવૃત્તિઓ પર રોક માટે કડક સજા જરૂરી છે. આ નિર્ણય અન્ય માટે એક દાખલો રહેશે કે ડ્રગ્સની હેરફેરમાં શામેલ શખ્સો કડક કાનૂની કાર્યવાહીનો સામનો કરે છે.

