Gujarat

સુરતના ૩૫ વર્ષીય એક વ્યક્તિએ હેબિયસ કૉર્પસ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી

સુરતના ૩૫ વર્ષીય એક વ્યક્તિએ હેબિયસ કૉર્પસ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હતી. જેમાં તેણે પોતાની પત્ની અને છ વર્ષની સગીર પુત્રીને તેના જ સમાજનો એક વ્યક્તિ અપહરણ કરીને ગોંધી રાખી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેના સાસરી પક્ષના લોકોને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. તેઓના લગ્ન વર્ષ ૨૦૧૯માં થયા હતા. ત્યાર બાદ તેમના ત્યાં એક દીકરીનો જન્મ થયો હતો. તેઓ સુરત મુકામે ખુશીથી રહેતા હતા. તે ૨૬ જુલાઈના રોજ કામે ગયો હતો.

જ્યારે તે પરત આવ્યો ત્યારે ઘરમાં પત્ની અને સગીર દીકરી નહોતી. તેને બંનેને શોધવા ઘણો પ્રયત્ન કર્યો, આખરે તેણે પોલીસને જાણ કરી હતી. જાેકે, પોલીસ પણ તેને શોધવામાં નિષ્ફળ રહેતા તેને ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરી હતી. તેને જણાવ્યું હતું કે, પત્ની અને દીકરીને શોધતા દરમિયાન તેને જાણવા મળ્યું હતું કે તેની પત્નીને તેના જ સમાજના રાજસ્થાનનો રહેવાસી વ્યક્તિ ભગાડી ગયો છે. જેણે અગાઉ બે વખત લગ્ન કરીને પોતાની પત્નીઓને ત્યજી દીધી છે. તેને એક નાનું બાળક પણ છે, તે આવી આદત ધરાવે છે.

અરજદારની પત્ની ચિંતા વાળી અને ભાવનાઓ પર કાબુ રાખી શકે તેવી નથી, તેનો લાભ આરોપીઓ ઉપાડ્યો છે. આ કૃત્યમાં અરજદારના સાસુ, સસરા અને સાસરિયાના અન્ય લોકો પણ સામેલ છે. પત્નીને ભગાડી જનાર વ્યક્તિ તેના સાસરીયામાં મિત્ર છે. વળી આરોપીએ અરજદારને કોઈ પણ કાનૂની કાર્યવાહી નહીં કરવા અને ૪.૫૧ લાખ રૂપિયા લઈને સમાધાન કરવા ધમકી આપી હતી. આરોપી તેની પત્ની અને પુત્રી સાથે તેના ઘરમાંથી ૪ તોલા જેટલું સોનું, એક કિલો ચાંદી અને ૧.૫૦ લાખ રૂપિયા રોકડા લઈને ભગાડી ગયો હતો.

જાેકે, કોર્ટના હુકમથી પોલીસે અરજદારની પત્ની અને તેની સગીર પુત્રીને શોધીને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરી હતી. અરજદારની પત્નીએ કોર્ટને જણાવ્યું હતું કે તે હાલ જ્યાં પણ છે ત્યાં ખુશ છે. તે તેના પતિ સાથે રહેવા માંગતી નથી. આથી હાઇકોર્ટે આ અરજીનો નિકાલ કર્યો હતો. અરજદારે તેની સગીર પુત્રીને મેળવવી હોય તો યોગ્ય કાનૂની કાર્યવાહી અંતર્ગત અરજી કરવા છૂટ આપી હતી.