શહેરની દુમાડ ચોકડી પાસે નેશનલ હાઈવે નંબર 47 ઉપર 60 વર્ષીય વૃદ્ધને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા અને ત્યારબાદ વાહનચાલક નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં ચા-નાસ્તાની લારી ચલાવતા નરેન્દ્રસિંહ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ દુમાડ ચોકડીથી દેણા ચોકડી તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર તુલિપ હોટલની એન્ટ્રી ગેટની સામે હિટ એન્ડ રનનો બન્યો હતો.
જેમાં અજાણ્યો વૃદ્ધ સુરતથી અમદાવાદ તરફના રોડ પરથી ચાલતો-ચાલતો રોડ ક્રોસ કરવા ડિવાઈડર પાસે આવ્યો હતો. તે સમયે દુમાડ બ્રિજ તરફથી પૂરઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે વાહન હંકારીને વૃદ્ધને અડફેટે લીધા હતા. જેથી વૃદ્ધ હવામાં ઊછળ્યા બાદ રોડ પર પટકાયા હતા. વાહનચાલક અકસ્માત બાદ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

