Gujarat

પાદરાના સરસવણી ગામે 12 ફૂટનો મગર દેખાયો

પાદરા તાલુકાના સરસવણી ગામે મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાંથી આશરે 12 ફૂટ લાંબા મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો, પરંતુ જીવરક્ષક સંસ્થા અને વન વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મગરને સુરક્ષિત પકડી પાડ્યો હતો.

સરસવણી ગામમાં પાણીની ટાંકી પાસે આવેલા માલધારી સમાજના રહેઠાણ વિસ્તાર નજીક આ મહાકાય મગર જોવા મળ્યો હતો. મગરને જોતા જ સ્થાનિકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી અને તેમણે તાત્કાલિક પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થાના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કર્યો હતો.

માહિતી મળતા જ પ્રાણી જીવરક્ષક સંસ્થાના સંચાલક રોકી આર્ય અને પ્રવીણ આર્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સાથે જ પાદરા વન વિભાગને પણ જાણ કરવામાં આવતા, વન વિભાગની ટીમ પણ ઝડપથી સ્થળ પર દોડી આવી હતી.

બંને ટીમોએ સંકલન સાધીને મગરને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. આશરે એક કલાકની જહેમત બાદ, પૂરતી સાવચેતી અને કુશળતા સાથે આ વિશાળ મગરને સુરક્ષિત રીતે પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને પાદરા વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો.