Gujarat

ડ્રાઈવરની બેદરકારીને લીધે વૃદ્ધ મુસાફરને મણકામાં ફ્રેકચર આવ્યા બાદ કાર્યવાહી; EV ટ્રાન્સ એજન્સીને નોટિસ ફટકારવામાં આવી

15 એપ્રિલ 2025એ રાજકોટ- જૂનાગઢ રૂટની ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવરે પી.ડી. માલવીયા કોલેજથી ગોંડલ ચોકડી જતા રસ્તામાં વચ્ચે આવતું સ્પીડ બ્રેકર ફૂલ સ્પીડમાં ઠેકાડતા બસમાં બેઠેલા પેસેન્જર્સ ઉછળ્યા હતા.

તેમાં એક વૃદ્ધ મુસાફરને તો કરોડરજ્જુ દબાઇ જતા મણકાનું ફ્રેક્ચર થઇ જતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી ઓપરેશન કરવું પડ્યું હતું. દરમિયાન આ મામલે ડ્રાઇવર ધવલ ગોસ્વામીને 10 દિવસ માટે કપાત પગારે સસ્પેન્ડ કરાયો છે તથા એજન્સી EV ટ્રાન્સને નોટિસ ફટકારવામાં આવી છે.

ઇલેક્ટ્રિક બસની સંચાલક એજન્સી ઇવી ટ્રાન્સને નોટિસ રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરવા બદલ રાજકોટ-જૂનાગઢ રૂટની ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

જેને કપાત પગારે આગામી 10 દિવસ માટે સસ્પેન્ડ કરાયો છે અને ઇલેક્ટ્રિક બસની સંચાલક એજન્સી ઇવી ટ્રાન્સને નોટિસ ફટકારી છે. તદઉપરાંત રાજકોટથી ઉપડતી તેમજ આવતી જતી તમામ ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવરોને આવા બનાવો ન બને તેની તકેદારી રાખી કાળજીપૂર્વક ડ્રાઇવિંગ કરવા સૂચના અપાઇ છે.