Gujarat

કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા સહિત મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

રાજકોટ ખાતે ભારતીય ઔદ્યોગિક મેળા ૨૦૨૫નો શુભારંભ

ગુજરાતના એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગો વૈશ્વિક કક્ષાએ નામના પ્રાપ્ત કરી રહ્યા છે
– મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

બજેટ ૨૦૨૫માં એમ.એસ.એમ.ઇ.ના વિકાસ માટે વિશેષ આયોજન થયા છે: કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા

રાજકોટ તા.૦૨ ફેબ્રુઆરી- લઘુ ઉદ્યોગ ભારતી અને ગવર્મેન્ટ ઈ-માર્કેટ પ્લેસ (જેમ)ના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે નવમાં ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ મેળા-૨૦૨૫નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે હતું કે, આ વર્ષના કેન્દ્રીય બજેટમાં ઉદ્યોગ જગતને પ્રોત્સાહન મળે એવા તમામ પરિમાણોને સાંકળી લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે અભૂતપૂર્વ પ્રયાસો કર્યા, જેમાં વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટથી આજે ગુજરાત રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે એક ઉદ્યોગ વિકસિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. છેલ્લી વાઇબ્રન્ટ ઇવેન્ટમાં ૯૮ હજારથી વધુ એમઓયુ થયા, જેમાં ગુજરાતમાં ૪૫ લાખ કરોડનું રોકાણ થયું છે. આ ઇવેન્ટમાં ૪૦ થી વધુ દેશોએ ગુજરાતને રોકાણની દ્રષ્ટિએ શ્રેષ્ઠ માની મુલાકાત લીધી હતી. એકમાત્ર ગુજરાતમાં ચાર સેમી કન્ડક્ટર પ્લાન્ટ બનશે, જેનાથી ૧.૨૪ લાખ કરોડના ઇલેક્ટ્રોનિક્સ અને સેમીકન્ડક્ટર ચીપ્સ બનાવવામાં આવશે. પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં મધ્યમ કદના ઉદ્યોગો વધુ આગળ આવે તે માટે વિશેષ યોજનાઓ સાથે રાજ્યકક્ષાએથી પણ માતબર રકમ બજેટમાં ફાળવવામાં આવી રહી છે, ત્યારે આવનારા દિવસોમાં ગુજરાતના એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગો વૈશ્વિક કક્ષાએ નામના પ્રાપ્ત કરી વિકસિત ભારત ૨૦૪૭ના નિર્માણમાં સહકાર આપશે તેવી મંત્રીશ્રીએ અભ્યર્થના વ્યક્ત કરી હતી.

ભારતીય ઔદ્યોગિક મેળા ૨૦૨૫માં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, બજેટ ૨૦૨૫માં એમ.એસ.એમ.ઇ.ના વિકાસ માટે વિશેષ આયોજન થયા છે. જેમાં સૂક્ષ્મ ઉદ્યોગો માટે પાંચ લાખ સુધીની સહાયને દસ લાખ સુધીની કરવામાં આવી તેમજ એમ.એસ.એમ.ઈ.માં પાંચ કરોડથી ૧૦ કરોડ ક્રેડિટ લિમિટ વધારાઈ આ સાથે જ ૧.૫ કરોડની લોન પણ અપાશે. એમ.એસ.એમ.ઈ.નો વિકાસ એ આત્મનિર્ભર ભારત તરફનું પ્રથમ પગથિયું છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ભારતના નાના ઉદ્યોગો નવા નવા લક્ષ્યાંકો હાંસલ કરી રહ્યા છે, તેઓ મોટા ઉદ્યોગોના પૂરક બની નિકાસમાં સિંહ ફાળો આપી ભારતીય અર્થતંત્રને ઉપર લઈ જઈ રહ્યા છે. આ એમ.એસ.એમ.ઈ. સેક્ટરને વધુ સહાયરૂપ થવા પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વકર્મા યોજના, મુદ્રા યોજના, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા પ્રકલ્પો થકી આ ઉદ્યોગકારોને સહાયરૂપ બનવાનું કાર્ય કર્યું છે. પી.એમ.વિશ્વકર્મા યોજના અંતર્ગત ૧૮ પ્રકારની કળાના કારીગરો માટે વિશેષ લાભોનું આયોજન થયું છે. જેમાં હાલ સુધીમાં ૪૪.૭૭ લાખ કારીગરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મુદ્રા યોજનાએ વંચિતોને પોષિત કરવાનું કાર્ય કર્યું છે. તેમાં રૂ. ૪૪.૯ કરોડની લોન અપાઈ છે. આ લોન લેનાર ૬૯ ટકા ઉદ્યોગકારો મહિલા ઉદ્યમીઓ છે. ભારતમાં ૬.૩૦ કરોડથી વધુ એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગ છે જેમાં ૨૦%થી વધુ મહિલા ઉદ્યમીઓ છે. મંત્રીશ્રીએ આ માધ્યમથી મહિલાઓ સ્વયં આત્મનિર્ભર બની ભારતને પણ આત્મનિર્ભર બનાવી રહી છે તેમ જણાવી, આ ભવ્ય મેળા દ્વારા એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહે બજેટ ૨૦૨૫થી લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગોને આત્મનિર્ભરતા તરફ આગળ વધવા વધુ સહકાર મળશે તેવો હર્ષ વ્યક્ત કરી રાજકોટ ખાતેના એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોમાં બેવડો વધારો થશે તેમજ “એક ભારત શ્રેષ્ઠ ભારત” અને “આત્માનિર્ભર ભારત”ના પ્રયાસોમા રાજકોટ અને ગુજરાત સહયોગી બનશે તેમ જણાવ્યું હતું.

કાર્યક્રમમાં લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાના રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી પ્રકાશચંદ્રજીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાએ લઘુ ઉદ્યોગકારોને આપવામાં આવતી તકો, ઉદ્યમી મહિલાઓને પ્રોત્સાહન તથા ઉદ્યોગકારોને એકત્ર થઈ સહકાર સાથે તમામનો વિકાસ થાય, ભારતની આયાત ઓછી તેમજ આયાતી સાધનોનું ભારતમાં જ ઉત્પાદન થાય તે માટે ઉદ્યોગોને તમામ સહયોગ મળી રહે તે હેતુથી લઘુ ઉદ્યોગ ભારતી કાર્ય કરી રહ્યું છે.

આ મેળા દ્વારા ઉત્પાદનોને ન્યૂનતમ લાગત પર લઈ જવું, વધુ ગુણવત્તાયુક્ત બનાવવું, ટેકનોલોજીનો ઉપયોગ અને ઈમ્પોર્ટ સબસ્ટીટ્યુટ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. ભવિષ્યમાં ભારત ફરી સર્વોચ્ચ શિખરે પહોંચે તેવા પ્રયાસો કરી તેને પુનઃસ્થાપિત કરવા માટે આ ઉદ્યોગોને વેગ મળે તે અંગે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાના પશ્ચિમ ક્ષેત્રના સંચાલક શ્રી જયંતીભાઈ આડેસીયાએ ઉદ્યોગોના ઉત્થાન સાથે દેશના વિકાસ વિશેની લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાની પ્રણાલી પર વધુ પ્રકાશ પાડ્યો હતો. શ્રી જય માવાણીએ આભાર દર્શન વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના શુભારંભ બાદ મહાનુભાવો એ મેળામાં વિવિધ સ્ટોર્સની મુલાકાત લીધી હતી જેમાં રેલવે અને જેમ (ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ)ના સ્ટોલને તેઓએ વખાણ્યા હતા. મંત્રી શ્રી રાઘવજીભાઈના હસ્તે આર.પી.પી.એલ. કંપનીના સ્ટોલને રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, મેયર શ્રી નયનાબેન પેઢડીયા, લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાના શ્રી ગણેશભાઈ ઠુંમર, રાષ્ટ્રીય સંયોજક શ્રી સુંદરમનજી, કૌશલકુમાર, ઓમ પ્રકાશ, અંજુજી, શ્રી જૈમીન ઠાકર, ખોડાભાઈ તેમજ હંસરાજભાઈ ગજેરા વગેરે અગ્રણીઓ તથા રાજકોટ અને સૌરાષ્ટ્રભરના ઉદ્યોગકારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.