જ્યાં ત્યાં કચરો ન ફેંકવો તે પણ સ્વચ્છતા તરફનું પહેલું પગલું
કર્મયોગીઓની મહેનત રંગ લાવી, સૂકા-ભીના કચરા બાબતે ગૃહિણીઓને જાગૃત કરાયા
આપણે સૌ જાણીએ છીએ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાનને જનઆંદોલન બનાવ્યું છે. સામાજિક સંસ્થાઓ, સેલિબ્રિટીઓ, જન પ્રતિનિધિઓ, કર્મયોગીઓ તેમજ સ્વચ્છતાગ્રહી જનતા દેશને સ્વચ્છ બનાવવા ઝુંબેશના ભાગરૂપે સતત કાર્યરત છે. જેના પરિણામ સ્વરૂપે આજે ગામ, શહેર અને સમગ્ર દેશ સ્વચ્છતાથી સ્વસ્થતા તરફ વળ્યો છે.
આ અભિયાનના ભાગરૂપે ગૃહિણીઓ સૂકો-ભીનો કચરો અલગ કરી ટિપર વાનમાં નાખતાં થયાં છે. સ્વચ્છતાનું આવું જ એક ઉત્તમ ઉદાહરણ રાજકોટ જિલ્લાના જેતપુર નગરપાલિકામાં જોવા મળ્યું છે. લોકો હવે સ્વચ્છતા પ્રત્યે વધુ સજાગ થયા છે તેમ સીટી મેનેજરશ્રી મિલનભાઈએ જણાવ્યું હતું.
જેતપુર-નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા સંબધિત જુદી-જુદી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. જેમાં શહેરના શાક માર્કેટ, પાણીની ટાંકી, જકાતનાકું, ચોકની ભીંતો સહિત મુખ્ય માર્ગો પર સ્વચ્છતાનો સંદેશ જોઈને લોકો તેને જીવનમાં ઉતારવાનાં પ્રયત્નો કરી રહ્યા છે. આપણો સંકલ્પ પ્રદુષણમુક્ત ભારત, સ્વચ્છતા એપ, સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત શહેર, ઈમરજન્સી રીપોર્ટ સેનીટેશન યુનિટ હેલ્પલાઈન નં:૧૪૪૨૦, મારું શહેર સ્વચ્છતાથી સજાવીશું સ્વચ્છતામાં નં.૧ બનાવીશું, સહિતનાં સુંદર સંદેશા ચિત્ર મારફતે આલેખવામાં આવ્યા છે. ઉપરાંત, શહેરનાં વિવિધ સ્થળે સ્વચ્છતા અંગેનાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.
સફાઈ કર્મચારીઓ હોય કે શાળાના શિક્ષકો હોય, સખી મંડળની બહેનો કે ઘરે ઘરે જઈને સૂકા અને ભીના કચરા વિશે વિસ્તૃત માહિતી પીરસતી આંગણવાડીની બહેનો હોય, શહેરને સ્વચ્છ બનાવવા સ્વચ્છતાના અભિયાનમાં દરેક જોડાયા છે. જેના પરિણામ સ્વરૂપે નગરવાસીઓમાં કચરાનો યોગ્ય નિકાલ કરવા અંગે જાગૃત થયાં છે. ઉપરાંત, નગરપાલિકા દ્વારા શાળાઓમાં નાટક ભજવી ગમ્મત સાથે સ્વચ્છતાનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ વાલીઓને સ્વચ્છતાનો સંદેશ પહોંચાડી શકે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ યુવાનોને સ્વચ્છતા સંદેશ આપવા નગરપાલિકા પ્રયત્નશીલ છે.