Gujarat

ઇન્સ્ટાગ્રામ પર PM મોદીના ફોટા સાથે અપમાનજનક વીડિયો પોસ્ટ કર્યો, સાયબર ક્રાઇમે કેસ કર્યો

જામનગરમાં સાયબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ પોસ્ટ કરનાર યુવકની ધરપકડ કરી છે. આરોપી નાજીમભાઈ ઉર્ફે લાજીમ ગજિયા (ઉંમર 22) સચાણા ગામનો રહેવાસી છે.

13 મે 2025ના રોજ સાંજે 7:25 વાગ્યે આરોપીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક વિવાદાસ્પદ વીડિયો અપલોડ કર્યો હતો. વીડિયોમાં તેણે ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળા પોસ્ટરને વિકૃત કરી જમીન પર મૂકીને ચપ્પલથી માર્યો હતો.

આ ઘટના પહેલગામ (જમ્મુ-કાશ્મીર)માં 26 નાગરિકોની આતંકવાદી હુમલામાં થયેલી હત્યા બાદ બની હતી. ભારતીય સશસ્ત્ર દળોએ 7 મે 2025ના રોજ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ 9 આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા.

સાયબર ક્રાઇમ પોલીસે આરોપી વિરુદ્ધ IPC કલમ 197(1)(D) હેઠળ કેસ નોંધ્યો છે. PSI એચ.કે.ઝાલા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી એક મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે.