Gujarat

દહેગામ તાલુકા રબારી સમાજ શિક્ષણ સમિતિએ એક ઐતિહાસિક પહેલ કરી

દહેગામ રબારી સમાજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગનો એક વર્ષનો અંદાજિત ?૨૫ લાખનો ખર્ચ નિવૃત આઇપીએસ વી.વી. રબારી ઉઠાવશે

દહેગામ તાલુકાના રબારી સમાજના વિદ્યાર્થીઓમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને સમાજને શિક્ષિત, સંપન્ન, સંગઠિત તથા સ્વીકૃત બનાવવાના ઉમદા લક્ષ્ય સાથે દહેગામ તાલુકા રબારી સમાજ શિક્ષણ સમિતિએ એક ઐતિહાસિક પહેલ કરી છે. આ પહેલ અંતર્ગત, સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગનો એક વર્ષનો અંદાજિત ?૨૫ લાખનો ખર્ચ નિવૃત આઇપીએસ વી.વી. રબારી ઉઠાવશે. સમાજના યુવાનોના પ્રયાસો, ગુરુજીના આશીર્વાદ અને દાતાઓના સહયોગથી દહેગામ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આધુનિક કોચિંગ ક્લાસ શરૂ થવા જઈ રહ્યા છે.

આ શિક્ષણ આયોજન માટે સૌપ્રથમ બેઠક તા. ૦૩ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ વડવાળા રામજી મંદિર, ઝાક ખાતે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ ગણેશદાસ બાપુના સાનિધ્યમાં યોજાઈ હતી. ગુરુજીએ આ વિચારને હર્ષભેર વધાવી આશીર્વાદ અને સાથ-સહકારની બાંહેધરી આપી હતી. ત્યારબાદ, તા. ૦૪ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ નિવૃત આઇપીએસ વી.વી. રબારીના નિવાસસ્થાને આયોજન અંગેની બીજી બેઠક મળી હતી.

આ બેઠકમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી શકાય તે માટે યોગ્ય જગ્યા શોધવા અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. શિક્ષણ સમિતિના આ ભગીરથ કાર્યમાં તાત્કાલિક જગ્યાની જરૂરિયાત ઊભી થતાં, દહેગામના પત્રકાર અમૃતભાઈ લીલાભાઈ દેસાઈ (મુળ ગામ દલાની મુવાડી)એ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેમણે પ્રાઇમ લોકેશન અને રોડ ટચ પર આવેલા અશ્વમેઘ કોમ્પ્લેક્સમાં ૬૦૦૦ સ્ક્વેર ફૂટનો એક વિશાળ હોલ રબારી સમાજના બાળકોના શિક્ષણ માટે કોઈપણ પ્રકારના ભાડા વિના આપવાની જાહેરાત કરી હતી. આ સમાચાર સાંભળી સમગ્ર તાલુકાના રબારી સમાજમાં શિક્ષણ માટે અનોખી લહેર ઊભી થઈ હતી.

આ સાથે જ, દહેગામ તાલુકાના રબારી સમાજના શિક્ષકોએ ગામડે ગામડે જઈ રાત્રિ સભાઓનું આયોજન કરીને વિદ્યાર્થીઓ, વાલીઓ અને વડીલોને શિક્ષણની જરૂરિયાત સમજાવી સમાજને શિક્ષિત બનાવવા માટે હાકલ કરી હતી. ગત તા. ૧૬ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ફરીથી વી.વી. રબારીના નિવાસસ્થાને ગુરુજી ગણેશદાસજીની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુરુજીએ સમાજને શિક્ષિત, સંગઠિત અને સંપન્ન બનવાની પ્રેરણા આપી હતી. આ બેઠક દરમિયાન સૌથી મોટી જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આગામી સમયમાં વિદ્યાર્થીઓની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે શરૂ થનાર કોચિંગ ક્લાસના એક વર્ષના અંદાજિત ?૨૫ લાખના દાતા તરીકે વી.વી. રબારી (દહેગામ)ને જાહેર કરવામાં આવ્યા હતા.

વી.વી. રબારીએ સમાજ પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની આ અનોખી પહેલમાં તન, મન અને ધનથી સમાજની સાથે ઊભા રહેશે. સમિતિએ કોઈપણ પ્રકારનું ભાડું લીધા વિના જગ્યા ઉપલબ્ધ કરાવવા બદલ અમૃતભાઈ દેસાઈ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. દહેગામ તાલુકા રબારી સમાજ શિક્ષણ સમિતિએ અંતમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું સર્વાંગી શિક્ષણ એક જ સ્થળે મળી રહે તેવા એક ભવ્ય ભવન “ઇઈઝ્ર્ દહેગામ”નું પણ નિર્માણ થનાર છે.