Gujarat

સ્નેહમિલનમાં સમૂહલગ્ન માટે 2.14 લાખનું દાન, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

આજરોજ ખેરવા ખાતે શ્રી પાટણવાડા સતવારા કડિયા કેળવવી પ્રગતિ મંડળના સંયોજનમાં સ્નેહમિલન અને તેજસ્વી તારલાઓના ઇનામ વિતરણ કાર્યક્રમ 2025 યોજાયો. કાર્યક્રમની ભવ્ય શરુઆત શ્રી વિશ્વકર્મા દાદાના જયઘોષ, પ્રાર્થના, દીપ પ્રાગટ્ય અને સ્વાગતગીતથી કરવામાં આવી હતી.

સભાના કાર્યકારી પ્રમુખ તરીકે ખેરવા ગામના શ્રી જશવંતભાઈ કડીયાની વરણી કરવામાં આવી. સમાજના મહેમાનો તથા ટ્રસ્ટીઓનું પુષ્પ ગુચ્છ થી સન્માન કરવામાં આવ્યું. સમાજના પ્રમુખશ્રી જીતેન્દ્રકુમાર કડિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું, કાર્યકારી પ્રમુખશ્રીએ પણ ભૂતકાળના સુવર્ણ કાળને યાદ કરી તાજો કર્યો. ત્યારબાદ સમાજમાં છેલ્લા 30થી વધુ વર્ષથી ખજાનચી તરીકે સેવા આપતા શ્રી રમેશભાઈ સથવારાનું સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું. ખજાનચીએ પોતાના લાંબા કાર્યકાળને યાદ કર્યો.

સમાજના મંત્રીશ્રી રામજીદાસ કાનજીભાઈએ સમાજમાં જાગૃતિ લાવવા માટે પોતાની આગવી છટાથી પ્રેરણાદાયી ઉદબોધન કર્યું, જેમાં સમાજના ભવિષ્ય માટે એકતાનું મહત્વ અને શિક્ષણનો પ્રભાવશાળી રોલ ખાસ ઉલ્લેખાયો. આગામી સમૂહ લગ્ન માટે સમાજને અત્યારથી જ તૈયારી કરવા આહવાના આપવામાં આવ્યું. આગામી સમૂહ લગ્ન તા.22-2-2026 ને રવિવારના રોજ ખેરવા મુકામે યોજાશે.

જેમાં મુખ્ય દાનમાં 61,000 ₹ બબુબેન ભીખાભાઈ કરસનદાસ તથા સવિતાબેન નટવરલાલ, 51000 ₹ ચંદ્રકાંત ઈશ્વરલાલ હસ્તે જૈનીલ (યુએસએ), 51000 ₹ જશવંતભાઈ ચિમનલાલ , 51000 ₹ સ્વ. મંગુબેન ડાયાલાલ જીવરામદાસ હસ્તે. મહેન્દ્રભાઈ દ્વારા નોંધાયું. આ ઉપરાંત દરેક વરઘડીયાને વોશિંગ મશીન, ઘરઘંટી, ફ્રીઝ, તિજોરી, મિક્સચર, ચાંદીના સિક્કા, ખુરશી જેવી ઘણી ચીજ વસ્તુ તથા રોકડ રકમનું દાન પણ નોંધાયું.

કાર્યક્રમના મધ્યાહ્ને સ્વરૂચી સમૂહ ભોજન થયું. ભોજન દાતા તરીકે પ્રજ્ઞાબેન જીતેન્દ્રભાઈ સથવારા તથા ખેરવા ગામના પાટણવાડા સમાજના સતવારા ભાઈઓ હતા.

ભોજન બાદ બીજા સેશનમાં બાળકો માટે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકોના મનમોહક ડાન્સ પ્રસ્તુતિઓએ સૌના મન મોહી લીધા. ત્યારબાદ દાતાઓનું શાલ સાથે સન્માન કરવામાં આવ્યું.

ત્યારબાદ તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સંચાલન શિક્ષણના પ્રમુખ કનુભાઈ અને મંત્રી શ્રી દિલીપકુમાર છાનાલાલે કર્યું હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ચંદ્રકાંતભાઈ અને સંજયકુમાર રમણભાઈએ સુંદર એન્કરિંગ કર્યું હતું.