Gujarat

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ વિદેશગામી સંતને 21 ફૂટનો હાર અર્પણ કરાયો

મણિનગર સ્થિત કુમકુમ મંદિર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીને વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. તેમને 21 ફૂટનો વિશાળ હાર અર્પણ કરવામાં આવ્યો હતો.

આ સન્માન તેમની 83 વર્ષની દીક્ષા પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં કરવામાં આવ્યું હતું. શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ તેમને સૌ પ્રથમ ત્યાગી સંતની દીક્ષા આપી હતી.

પાલડી કુમકુમ મંદિરના પાટોત્સવ નિમિત્તે ભગવાનનું પૂજન, અર્ચન અને આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે જીવનપ્રાણ બાપાશ્રીની વાતોની 15 પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ કથામૃતનું રસપાન કરાવ્યું હતું.

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે આનંદપ્રિયદાસજી સ્વામી અને શ્રી મુક્તજીવન સ્વામીબાપા 1948માં સૌ પ્રથમ આફ્રિકા ગયા હતા. ત્યાં તેમણે ચાર મહિના સુધી રહીને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કર્યો હતો.

આનંદપ્રિયદાસજી સ્વામીએ યુરોપ, અમેરિકા, કેનેડા અને દુબઈ સહિત અનેક દેશોમાં વિચરણ કર્યું છે. તેમણે અનેક લોકોને વ્યસનમુક્ત કરી સદાચારના પાઠ શીખવ્યા છે. જીવનપ્રાણ બાપાશ્રી અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સિદ્ધાંતોને જાળવવા માટે તેમણે શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગરની સ્થાપના કરી છે.