Gujarat

સિનિયર-જુનિયર ડૉક્ટર્સ સહિત 8ની ધરપકડ, વિદ્યાર્થીઓને કારમાં બંધક બનાવી માર માર્યો હતો

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની ઘટના મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નીલમબાગ પોલીસે આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરી છે.

ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી હતી. જેમાં 7 માર્ચના રોજ વિદ્યાર્થીઓને કારમાં અપહરણ કરી, અશ્લીલ શબ્દો બોલી, ગાળો દઈ મારપીટ કરવામાં આવી હતી.

આ ઘટનાને કારણે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હતી. જે સંદર્ભમાં મેડિકલ કોલેજના ચાર વિદ્યાર્થીઓને એન્ટી-રેગિંગ કમિટીના નિર્ણય બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. ઘટનાની તપાસ બાદ, નીલમબાગ પોલીસે આજે એક સપ્તાહ બાદ 8 શખ્સોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

આ ઘટના અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ઈશાન કોટકે છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, JGSનો સભ્ય તથા આકાશ CRમાં સભ્ય હોય અને કોલેજમાં અમારા દ્વારા લેવાયેલા અમુક નિર્ણય તેમજ પદવીદાન સમારોહ કાર્યક્રમમાં આયોજનની દાઝ તેમજ મેં અને મારા મિત્ર આકાશે મારા ફોનમાં એક ઈન્સ્ટ્રાગ્રામ પેજ બનાવેલ જેનું નામ “કોન્વોકેશન સ્પીકસ” રાખેલ જે માત્ર રમુજ માટે બનાવેલ હતું

જેમાં રમુજ લખીને નિર્દોષ મજાક કરેલ તે બાબતે મન દુઃખ રાખી અમારા બેચમેન્ટ ડો.મિલન કાકલોતર, ડો.પિયુષ ચૌહાણ, ડો.નરેન ચૌધરી, ડો.મન પટેલનાઓએ અમારા સિનિયર ડોક્ટર બરભદ્રસિંહ સાથે મળી એક સંપ કરી તેઓની સાથે જેડી તથા કાનો નામના વ્યક્તિને લાવી અમોને બળજબરીથી કારમાં બેસાડી ઉપરોક્ત તમામ વ્યક્તિઓએ ઢીકા પાટુ વડે માર માર્યો હતો અને ગાળો આપી અમારી પાસે અશ્લીલ શબ્દો બોલાવ્યા હતા. આશરે 3:30 કલાક સુધી બળજબરીથી ગોંધી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદ આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.