અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઝુંડાલ રોડ પર સારથી બંગ્લોઝ નજીક કે.બી રોયલ સેરેનેટી ફ્લેટમાં આજે બપોરના સમયે ધુળેટી રમ્યા બાદ ઘરે જવા લિફ્ટમાં જતી 10 મહિલાઓ ફસાઇ હતી.
ફાયર બ્રિગેડને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી દીવાલ તોડી અને પતરું કાપી મહિલાઓને બહાર કાઢી હતી. ફાયર બ્રિગેડ પહેલા લિફ્ટની કંપનીના માણસોએ પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ સફળ ન થતાં દીવાલ તોડવાની ફરજ પડી હતી.
ત્રીજા અને ચોથા માળ વચ્ચે દીવાલ તોડવામાં આવી ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ, આજે બપોરના સમયે ફાયર બ્રિગેડની ટીમને કોલ મળ્યો હતો કે, ચાંદખેડા સારથી બંગલોની સામે કે.બી રોયલ સેરેનેટી નામના ફ્લેટમાં A બ્લોકમાં લિફ્ટમાં કેટલીક મહિલાઓ ફસાઈ છે.

જેથી તાત્કાલિક ધોરણે ચાંદખેડા અને સાબરમતી ફાયર સ્ટેશનની બે ટીમ સાથે DFO પંકજ રાવલ અને ફાયર સ્ટેશન ઓફિસર અનિરુદ્ધ ગઢવી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડ પહોંચી તે પહેલા લિફ્ટ કંપનીના માણસો ત્યાં પહોંચ્યા હતા અને લિફ્ટ ખોલી તેઓને બચાવવા માટેની પ્રક્રિયા કરી રહ્યા હતા, પરંતુ તેઓ સફળ થયા નહોતા છેવટે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મોરચો સંભાળીને લિફ્ટના ત્રીજાથી ચોથા માળ વચ્ચેના ભાગમાં દીવાલ તોડવામાં આવી હતી.
લિફ્ટમાં ફસાયેલી તમામ મહિલાઓને સહી સલામત બહાર કાઢી હથોડા વડે દીવાલનું બાંધકામ તોડવામાં આવ્યું હતું. આ બાંધકામ તોડીને લિફ્ટના ઉપરના પતરાના ભાગને ખોલી લિફ્ટમાં ફસાયેલી તમામ દસ જેટલી મહિલાઓને સહી સલામત બહાર કાઢી હતી.
જેમાં એક મહિલાને થોડી ગભરામણ થઈ હતી જેથી તેઓને દવાઓ આપી સારવાર આપવામાં આવી હતી. ફ્લેટમાં કોમર્શિયલ અને રેસિડન્ટ મિક્સ પ્રકારનું બાંધકામ છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ત્રણ ફ્લોર સુધી કોમર્શિયલ છે અને ચોથા માળથી રેસીડેન્ટ બિલ્ડિંગ ચાલુ થાય છે. આ લિફ્ટ ફ્લેટમાં રહેતા લોકો જ વાપરતા હતા.

