જોરાવરનગરથી વઢવાણને જોડતો મેઇન રોડ જે ઘરશાળાથી વઢવાણ જાય છે, તે ઘણા સમયથી બિસમાર હોવાથી તેના નવિનીકરણ માટે અનેક રજૂઆતો કરાઇ હતી. ઘણા વર્ષો બાદ આ રસ્તો બનાવવાનું શરૂ કરાયું છે.
ત્યારે સુરેન્દ્રનગર જોરાવરનગર અને વઢવાણ શહેરને જોડતા એકમાત્ર મુખ્ય રોડની ગુણવત્તામાં પોલંપોલ હોવાના આક્ષેપ નાગરિકો કરી રહ્યા છે. વળી રોડમાં અપૂરતો ડામર અને ઓછી જાડાઇનો બનતો હોવાની રાવ ઊઠતા મનપાના એન્જિનિયરો સ્થળ પર હાજર રહીને સારી ગુણવત્તા અંગે ધ્યાન આપે તેવી માગ ઊઠી છે.
ઘરશાળા અને વઢવાણ વચ્ચે રસ્તો મગરપીઠ સમાન બનતા વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા હતા. અંદાજે 1.5 કિમીનો રસ્તો વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને ધંધાર્થીઓ માટે મુખ્ય રોડ હોવાથી આ રસ્તા પર દૈનિક 2 હજારથી વધુ વાહનની અવરજવર રહે છે.