Gujarat

હીરામાં તેજીના સંકેત, રફ હરાજીમાં 1 વર્ષ પછી 15% ઊંચા ટેન્ડર ભરાયાં

ડાયમંડ માર્કેટમાં તેજીના સંકેત જેવા મળી રહ્યા છે. રફની હરાજીમાં 1 વર્ષ પછી 10થી 15 ટકા ઊંચા ભાવે ટેન્ડર ભરીને રફ હીરા ખરીદી થઈ રહ્યા છે. ફેબ્રુઆરીના છેલ્લા વીકમાં યોજાયેલી ડીબિયર્સ અને લુકારા રફ માઈનિંગ કંપનીની હરાજીમાં પણ ઊંચા ભાવે ટેન્ડરો ભરાયાં છે, જેના કારણે ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં પોઝિટિવ માહોલ હોવાનો સુરતના વેપારીઓ મત વ્યક્ત કરી રહ્યા છે.

વિશ્વની અલગ-અલગ રફ માઈનિંગ કંપનીઓ દ્વારા વર્ષ દરમિયાન સમયાંતરે રફ હીરાની હરાજી કરવામાં આવતી હોય છે. સુરત, મુંબઈ સહિતના વેપારીઓ રફ હીરાની આ હરાજીમાં ભાગ લે છે. છેલ્લાં અઢી વર્ષથી ડાયમંડ માર્કેટમાં મંદીને કારણે રફ હીરાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો.

બીજી તરફ કટ એન્ડ પોલિશ્ડ થયેલા તૈયાર હીરાના ભાવમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો, પરંતુ હવે ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં તેજી આવવાના સંકેતો દેખાઈ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં ડીબિયર્સ સહિત વિશ્વની અલગ-અલગ રફ માઈનિંગ કંપનીઓ દ્વારા રફ હીરાની હરાજી કરવામાં આવી હતી, જેમાં રફ ખરીદનાર હીરા વેપારીઓએ 10થી 15 ટકા સુધીના ઊંચા ભાવે ટેન્ડરો ભર્યાં છે. હીરા વેપારીઓના મતે છેલ્લા 1 વર્ષમાં પહેલી વખત રફ હીરાની હરાજીમાં ટેન્ડરો 10થી 15 ટકા ઊંચા ભાવે ભરાયાં છે.

આ ઉપરાંત ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં હાલ કર્મચારીઓની ઘટ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ મંદીને કારણે જે ડાયમંડ બ્રોકરો અન્ય વ્યવસાય તરફ વળી ગયા હતા તેવા બ્રોકરો પણ ફરી મહિધરપુરા હીરા બજાર અને મિની બજારમાં દલાલી કરતા જોવા મળવા માંડ્યા છે. આ ઉપરાંત દુબઈ-અમેરિકા સહિતના દેશોમાં પતલી સાઈઝના રફની ડિમાન્ડ પણ વધતાં હીરા માર્કેટમાં તેજી હોવાના સંકેતો દેખાઈ રહ્યા છે.